Shashi Tharoor

ભારતમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરે અમેરિકામાં વસતા ભારતીય સમૂદાયને પ્રશ્ન કર્યો છે કે, H-1B પ્રતિબંધો મુદ્દે ભારતીય ડાયસ્પોરા કેમ ચૂપ છે. થરૂરના આ પ્રશ્નથી ભારતીય-અમેરિકન ઓળખ સાથે સંકળાયેલો એક મહત્વપૂર્ણ મુદ્દો ફરીથી ઉજાગર થયો છે કે, અમેરિકામાં સૌથી સફળ ઇમિગ્રન્ટ સમુદાયોમાં સ્થાન ધરાવતો આ સમાજ ભારતીય હિતોની હિમાયત કરવામાં રાજકીય રીતે કેમ નિષ્ક્રિય છે? શશિ થરૂરે નવી દિલ્હીની મુલાકાતે ગયેલા અમેરિકન કોંગ્રેસનલ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતને અસર કરતા H-1B વિઝા પ્રતિબંધો તેમ જ ટ્રેડ ટેરિફ જેવા અનેક મુદ્દે ભારતીય અમેરિકન સમુદાયની નિષ્ક્રિયતાને ઉજાગર કરી હતી. થરૂરે જણાવ્યું હતું કે, ડેમોક્રેટ્સના પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ હતું, જેમાં ચાર કેલિફોર્નિયાના હતા, તેમણે ‘ભારતમાં જબરદસ્ત રૂચિ’ દાખવી હતી અને તેમણે ફરીથી ભારપૂર્વક કહ્યું હતું કે, યુએસ કોંગ્રેસ બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને મહત્વ આપીને તેના સમર્થનમાં છે. થરૂરે એ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે, આ પ્રતિનિધિમંડળમાં આવેલા મહિલા સભ્યોમાંથી એક સભ્યે કહ્યું હતું કે, અમેરિકાની નીતિમાં ફેરફાર કરવા અંગે તેમને એક પણ ભારતીય-અમેરિકન મતદાતાનો ફોન આવ્યો નથી.

LEAVE A REPLY