જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તેની જાહેરાત વિકી કૌશલ અને કેટરિના કૈફે કરી દીધી છે. જોકે, છેલ્લા થોડાં દિવસોથી આ વાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. વિકી કૌશલે એક પોલરોઈડ ફોટો સાથે આ સમાચાર પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કેટરિના કૈફ ગર્ભવતી હોવાની અફવાઓ ચાલતી હતી. 2021માં રાજસ્થાનના સવાઇ માધોપુરમાં લગ્ન કર્યા પછી તેમણે ગતમાં ડિસેમ્બરમાં ચોથી એનિવર્સરી ઉજવી હતી. પછી એવી ચર્ચા શરુ થઈ કે ઓક્ટોબરમાં તેઓ માતા-પિતા બનશે. હવે ખુબ ધીરજ પછી વિકી કૌશલે આ સમાચાર જાહેર કરતા તેમના ચાહકો ખુશ થઈ ગયા છે. આ ફોટો પર તેમના ચાહકો સહિત અનેક સેલેબ્રિટીએ સ્નેહ વ્યક્ત કર્યો હતો. આ ફોટોમાં વિકી કેટરિનાના બૅબી બમ્પને પંપાળતો દેખાય છે. તેમના ચહેરા પર ખુશી છે. આ ફોટો વિકી અને કેટરિનાએ બંનેએ પકડી રાખ્યો છે. આ પોસ્ટના કૅપ્શનમાં તેમણે લખ્યું છે, “અમારી ખુશી સાથે અમે અમારા જીવનનું શ્રેષ્ઠ પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ.” જાહન્વી કપૂર, નેહા ધુપિયા, કરીના કપૂર સહિતના લોકોએ તેમને શુભેચ્છા આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 9 ડિસેમ્બર, 2021ના રોજ કેટરિના કૈફે અભિનેતા વિકી કૌશલ સાથે પરંપરાગત હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ફક્ત પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નના ફોટા લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા હતા.
