બ્રિટનની મહિલા હોકી ટીમે રોમાંચક મેચમાં ભારતીય ટીમને 4-3થી પરાજય આપ્યો હતોREUTERS/Bernadett Szabo

ભારતીય મહિલા હોકી ટીમનું પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું ગયા સપ્તાહે રોળાઈ ગયું હતું. બ્રિટનની મહિલા હોકી ટીમે રોમાંચક મેચમાં ભારતીય ટીમને 4-3થી હરાવી બ્રોંઝ મેડલ લઈ ગઈ હતી. બ્રિટનની ટીમ 2016માં રીઓ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા રહી હતી. પહેલા ક્વાર્ટર સુધી બન્ને ટીમે ગજબની ગેમ બતાવી હતી.
આક્રમક શરુઆત સાથે બ્રિટને 1-0થી સરસાઈ મેળવી હતી અને પછી બીજો એક ગોલ કરીને 2-0થી આગળ નીકળી ગઈ હતી. જોકે, અંતિમ સ્કોરલાઈનમાં બ્રિટનનો 4-3થી વિજય થયો હતો.

ભારતીય મહિલા ટીમના પરાજય છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે આપણે એક મેડલ ચૂકી ગયા, પરંતુ ભારતીય મહિલા ટીમ નવા ભારતની ભાવના દર્શાવે છે. ‘આપણે ટોકિયો ઓલિમ્પિક્સમાં આપણી મહિલા હોકી ટીમની શાનદાર ગેમ હંમેશા યાદ રાખીશું. તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું. ભારતને આ શાનદાર ટીમ પર ગર્વ છે. ટીમ ઈન્ડિયાએ આ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર ગેમ દર્શાવી હતી અને પ્રથમ વખત સેમિફાઈનલમાં પ્રવેશી રેકોર્ડ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોકી ટીમની ખેલાડીઓ અને કોચ સાથે ફોન પર વાત કરી હતી.

બ્રિટિશ હોકીએ પણ ભારતીય મહિલા ટીમને બિરદાવીઃ ટોકિયો ઓલિમ્પિકમાં શુક્રવારે ભારતીય મહિલા હોકી ટીમે પોતાના શાનદાર દેખાવથી ભારતનું જ નહીં પણ વિરોધી હોકી ટીમ બ્રિટનનુ પણ દિલ જીતી લીધું હતું.

બ્રિટિશ હોકીના ટ્વિટર હેન્ડલ પરની ટ્વિટમાં એવું કહેવાયું હતું કે, “વાહ શું મુકાબલો હતો અને શું શાનદાર હરીફ ટીમ હતી, ભારતીય હોકી ટીમ, તમે ટોકિયો ઓલિમ્પિક્સમાં કમાલની રમત દર્શાવી છે, તમારો આગામી સમય કમાલ હશે.”