કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના કારણે દુનિયાભરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સીએનબીસી દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતીય સમય અનુસાર શુક્રવારે સવારે 5.16 વાગ્યા સુધી જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટી પ્રમાણે 10,11,000થી વધારે કોરોનાના કેસ અને ગ્લોબલ મોતનો આંકડો 52,800ને ઓળંગી ગયો છે.

કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમેરિકા, ઈટાલી, સ્પેન, જર્મની અને ચીન જેવા દેશોમાં છે. અત્યાર સુધી સૌથી વધારે 2,42,182 કેસ અમેરિકામાં નોંધાયા છે.બીજી તરફ ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 53 લોકો મોતને ભેટી ચૂક્યા છે તેમજ 2069 લોકો તેના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના નવા 235 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા 12 કલાકમાં 12 લોકોનામોત નિપજ્યા હતા જ્યારે 12 લોકો આ વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ગુરૂવારે સાંજે આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. નોંઘનીય છે કે દેશમાં કોરોના સંકટના કારણે 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

આ અગાઉ આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ખતરા મામલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીના સાથે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય મુખ્ય લોકો હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે કોરોના વાયરસના દર્દીઓને અલગ, વિશેષ હોસ્પિટલ્સની જરૂર છે.