રાજસ્થાન નજીક આવેલી પાકિસ્તાન સરહદે 13 જેટલા બૌદ્ધ સાધુઓને પાકિસ્તાનમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે. વિશ્વ શાંતિનો સંદેશો લઈને થાઈલેન્ડથી નિકળેલા આ સાધુઓને સરહદથી પ્રવેશ નહીં અપાતા બાડમેરથી પરત ફરવું પડ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ થાઈલેન્ડથી ફ્રાન્સ સુધી અંદાજે 9,000 કિલોમીટરની યાત્રા પર નિકળેલા આ સાધુઓને પાકિસ્તાનમાં પ્રવેશવા દેવાયા નહતા. આ તમામ સાધુઓ વિશ્વ શાંતિનો સંદેશો લઈને યાત્રા પર નિકળ્યા છે અને તેમની પાસે ભારત તેમજ પાકિસ્તાનના કાયદેસરના વીઝા પણ છે. જો કે તેમને રાજસ્થાનના મુનાબાવ બોર્ડર પાસે અટકાવવામાં આવતા હવે તેઓ અટારી-વાઘા સરહદેથી પાકિસ્તાનમાં સત્તાવાર પ્રવેશ કરશે તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ સાધુઓના લીડરના જણાવ્યા મુજબ તેઓ વિશ્વ શાંતિનો સંદેશો લઈને અંદાજે 9,000 કિલોમીટરની યાત્રા ખેડવા નિકળ્યા છે. બાડમેર સર્કલ ઓફિસર વિજય સિંહના જણાવ્યા મુજબ, ‘સાધુઓના એક જૂથને ભારતમાંથી પાકિસ્તાન જવાનું હતું. તેઓ શાંતિનો સંદેશો લઈને યાત્રા નિકળ્યા છે પરંતુ તેમના માર્ગને લઈને સ્પષ્ટતા નથી. જેને પગલે તેમને અહીંથી સરહદમાં ઘૂસવા મંજૂરી અપાઈ નહતી અને તેમને વાઘા સરહદેથી પાકિસ્તાનમાં પ્રવેશવા જણાવાયું હતું.’
બૌદ્ધ સાધુઓ હવે જોધપુર જવા રવાના થયા છે તેમજ ત્યાંથી પંજાબના અમૃસર નજીક આવેલી અટારી-વાઘા સરહદમાંથી પાકિસ્તાનમાં પ્રવેશ કરશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. બૌદ્ધ સાધુઓએ થાઈલેન્ડથી ભારત સુધીની 4,000 કિ.મી.ની પદયાત્રા કરી છે અને તેઓ રાજસ્થાન પહોંચ્યા હતા. જો કે આ જૂથના એક ફ્રા સુથમ નૈટેટોંગે જણાવ્યું કે અમને ભારતમાં મુનાબાવ સ્થિત સરહદેથી પાકિસ્તાનમાં નહીં પ્રવેશ મળે તેવો ખ્યાલ નહતો. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના મુનાબાવ સરહદેથી ભારત અને પાક. વચ્ચે કોઈ જ વ્યવહાર થતો નથી જેને પગલે આ સરહદ ક્યારેય ખોલવામાં આવતી નથી.