દુનિયાભરમાં 21 જૂને 7મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અમુક થીમ નક્કી કરવામાં આવે છે. આવી જ રીતે આ વર્ષની થીમ છે, યોગા ફોર વેલ-બિઇંગ એટલે કે કુશળતા માટે યોગ. આ પ્રસંગે ભારત, અમેરિકા, રશિયા અને ચીન સહિતના ઘણા દેશોમાં લોકોએ પ્રાણાયામ, અનુલોમ-વિલોમ અને સૂર્ય નમસ્કાર કર્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં તેમના સરકારી નિવાસસ્થાન પર યોગ આસનો કર્યા હતા.

વિશ્વભરમાં ઇન્ડિયન મિશને આ દિવસની ઉજવણી કરવા ખાસ ઇવેન્ટ્સનું આયોજન કર્યું હતું. ન્યૂ યોર્કમાં પ્રસિદ્ધ ટાઇમ સ્કેર ખાતે આશરે 3,000 લોકોએ સોસિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને યોગ કર્યા હતા. ન્યૂ યોર્ક ખાતેના ભારતના કન્સોલ્યુલેટ જનરલે ટાઇમ્સે સ્કેવર એલાયન્સની ભાગીદારીમાં રવિવારે યોગ દિવસની ઉજવણી કરી હતી અને તેની થીમ સોલ્ટિક ઇવેન્ટ હતી. ભારતના કોન્સલ જનરલ રણધિર જયસ્વાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે વિશ્વના વિવિધ ભાગોમાં યોગની ઉજવણી કરી રહ્યાં છીએ, પરંતુ ટાઇમ્સ સ્કેર ખાતે યોગની ઉજવણી વિશેષ અને અનોખી છે. આ વિશ્વનો ક્રોસરોડ છે.

ન્યૂ યોર્કમાં સોલસ્ટિક ઇન ટાઇમ્સ સ્કેરઃ માઇન્ડ ઓવર મેડનેસ યોગમાં ન્યૂ યોર્ક સિટી ડેમોક્રેટિક મેયર ઉમેદવાર કેથરીન ગાર્સિયાએ ભાગ લીધો હતો. REUTERS/Andrew Kelly

કાઠમંડુમાં ઇન્ડિયન એમ્બેસીએ ખાસ વર્ચુઅલ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. યોગગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં યોગાસનો કર્યા હતા. આ ઉપરાંત ભારત-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ જવાનોએ 18,000 ફૂટની ઊંચાઈ પર પ્રાણાયામ કર્યા હતા.

આ પ્રસંગે વડાપ્રધાન ભારતના નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે “આજે આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે, ત્યારે યોગ આશાનું કિરણ બની રહ્યો છે.” બે વર્ષથી ભલે દુનિયામાં અને ભારતમાં સાર્વજનિક રીતે કાર્યક્રમ આયોજિત ના કરાતો હોય, પરંતુ યોગ દિવસ પ્રત્યેનો ઉત્સાહ ઓછો નથી થયો.

મોદીએ જણાવ્યું હતું કે “દુનિયાના ઘણાં દેશો માટે યોગ દિવસ સદીઓ જૂનો સાંસ્કૃતિક પર્વ નથી. આ મુશ્કેલ સમયમાં લોકો તેને ભૂલી શક્યા હોત, તેની ઉપેક્ષા કરી શક્યા હોત. પરંતુ તેનાથી અલગ, લોકોમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે, યોગથી પ્રેમ વધ્યો છે.”

વડાપ્રધાને કહ્યું કે, “યોગમાં ફિઝિકલ હેલ્થની સાથે-સાથે મેન્ટલ હેલ્થ પર પણ ભાર આપવામાં આવ્યો છે. યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેંથ અને નેગેટિવિટીથી ક્રિએટિવિટી તરફનો રસ્તો બતાવે છે. યોગ આપણને અવસાદથી ઉમંગ અને પ્રમાદથી પ્રસાદ તરફ લઈ જાય છે.”

M-Yoga એપ

યોગ દિવસ પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “જ્યારે ભારતે યુનાઈટેડ નેશનમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ નો પ્રસ્તાવ રાખ્યો હતો, તો તેની પાછળ એ જ ભાવના હતી, કે આ યોગ દુનિયા માટે ફાયદાકારક છે. આજે આ દિશામાં ભારતે યુનાઈટડ નેશન, WHO સાથે મળીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે દુનિયાને M-Yoga એપની શક્તિ મળવા જઈ રહી છે. આ એપમાં કોમન યોગ પ્રોટોકોલ પર યોગ પ્રશિક્ષણની ઘણા વિડીયો દુનિયાની અલગ-અલગ ભાષામાં ઉપલબ્ધ હશે.”