યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી. (Photo by Ronald Wittek - Pool/Getty Images)

યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ તેમની કીવમાંથી સુરક્ષિત બહાર કાઢવાની અમેરિકાની ઓફર ઠુકરાવી દીધી છે. યુક્રેન છોડી દેવાની અમેરિકાએ સલાહ આપ્યા બાદ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે “અહીં લડાઈ ચાલી રહી છે, મને સુરક્ષિત સવારની નહીં, પરંતુ દારુગોળાની જરૂર છે.”

પશ્ચિમના દેશો રશિયાને યુક્રેનમાંથી તેમના સૈનિકોને પાછા બોલાવી લેવાની તથા આંતરરાષ્ટ્રીય કાયદો અને યુનાઇટેડ નેશન્સના સિદ્ધાંતોનું પાલન કરવાની અપીલ કરી રહ્યાં છે. આમ છતાં રશિયાના લશ્કરી દળો યુક્રેનની રાજધાની કીવની ઘેરાબંધી કરી રહ્યાં છે. રશિયાના પ્રેસિડન્ટ પુતિન આંતરરાષ્ટ્રીય સમુદાયની આવી માગણીની પરવા કરી રહ્યાં નથી. તેમણે યુક્રેનની આર્મીને બળવો કરવાનો પણ અનુરોધ કર્યો છે.

ઝેલેન્સ્કી યુક્રેનમાંથી ભાગી ગયા હોવાની સોશિયલ મીડિયામાં અટકળો થઈ રહી છે, પરંતુ યુક્રેનના પ્રેસિડન્ટે મહત્ત્વના સાથીદારો સાથે પોતાનો એક વીડિયો જારી કર્યો હતો. આ વીડિયોમાં દેખાય છે કે ઝેલેન્સ્કી પ્રેસિડેન્શિયલ બિલ્ડિંગની બહાર ઊભા છે. તેઓ રશિયાના આક્રમણ સામે કીવનું રક્ષણ કરવાનો હુંકાર ભરી રહ્યાં છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમે તમામ અહીં છીએ. આપણી મિલિટરી અહીં છે. દેશના નાગરિકો અહીં છે. અમે તમામ આપણા દેશની આઝાદી, આપણા દેશની રક્ષા કરી રહ્યાં છે અને અમે મક્કમ રહીશું.

યુક્રેનના પ્રેસિડન્ટ વિશ્વના બીજા દેશો અને ખાસ કરીને પશ્ચિમના દેશોને લશ્કરી સહાય માટે સતત અનુરોધ કરી રહ્યાં છે. શુક્રવારે ઝેલેન્કીનેએ જણાવ્યું હતું કે તેમણે લશ્કરી સહાય અને પ્રતિબંધો અંગે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન સાથે વાતચીત કરી છે.