ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ગુરુવારે જણાવ્યું હતું કે કંપનીએ તેની કોરોના વેક્સીન ZyCoV-Dના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવા માટે ડ્રગ રેગ્યુલેટરને અરજી કરી છે. કંપનીએ દાવો કર્યો હતો કે આ વેક્સીન વચગાળાના એનાલિસિસમાં સિમ્પટોમેટિક કોવિડ કેસો સામે 66.6 ટકા અને મોડરેટ બિમારી સામે 100 અસરકારક રહી હતી. આ વેક્સિન 12થી 18 વર્ષના બાળકો માટે સુરક્ષિત હોવાનો પણ કંપનીએ દાવો કર્યો હતો.

ત્રણ ડોઝની આ વેક્સીન વિશ્વની પ્રથમ પ્લેસમિડ ડીએનએ વેક્સીન છે. તે નીડલફ્રી પણ છે. જો આ વેક્સીનને મંજૂરી મળશે તો તે બીજી સફળ દેશી વેક્સીન હશે. દેશમાં હાલ વેક્સીનની તીવ્ર અછત ઊભી થઈ ત્યારે કંપનીની આ અરજીનું વિશેષ મહત્ત્વ છે.

ઝાયડસે જણાવ્યું હતું કે ત્રણ ડોઝની આ વેક્સીનનું દેશભરના 28,000 લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અંતિમ તબક્કામાં ટ્રાયલમાં તે સુરક્ષિત અને અસરકારક રહી છે. કંપનીએ 12થી 18 વર્ષના વયજૂથના લોકોનો પણ આ ટ્રાયલમાં સમાવેશ કર્યો છે. કંપની ટુ ડોઝ રેજિમેનની પણ ચકાસણી કરી રહી છે.

કંપની વાર્ષિક ધોરણે 120 મિલિયન સુધીના ડોઝનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. ઝાયડસે જણાવ્યું હતું કે આ અભ્યાસ કોરોનાની બીજી લહેર ટોચ પર હતી ત્યારે કરવામાં આવ્યો હતો અને તે ડેલ્ટા વેરિયન્ટ સહિતના વેરિયન્ટ સામે અસરકારક રહી છે.