અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં કાર બોમ્બ વિસ્ફોટ બાદ મિલિટરી પરિસરની બહાર આર્મી જવાનો ગોઠવવામાં આવ્યા હતા. (REUTERS/Mustafa Andaleb)

અફઘાનિસ્તાનમાં રવિવારે બે આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા હતા. હુમલાખોરોએ મિલિટરી બેઝ અને પ્રોવિન્શિયલ વડાના લક્ષ્યાંક બનાવ્યા હતા.

ત્રાસવાદીઓએ અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં આ હુમલો કર્યો હતો અને તેમાં ઓછામાં ઓછા 31 સૈનિકોનો મોત થયા હતા અને બીજા 24 લોકોને ઇજા થઈ હતી. હુમલાખોરોએ કાર બોંબ મારફત આર્મી કમાન્ડો બેઝ પર હુમલો કર્યો હતો. જેના પગલે ચારે તરફ અફરા તફરી મચી ગઈ હતી.આ ઘટના બાદ અફઘાનિસ્તાનની સેનાના કમાન્ડોએ સ્થળ પર જઈને મોરચા બંધી કરી હતી. હજી સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

આ સિવાય અફઘાનિસ્તાનના જાબુલ પ્રાંતમાં કાઉન્સિલના પ્રમુખ પર પણ હુમલો કરાયો છે.તેઓ પોતાના સબંધીઓ સાથે ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા.

આ હુમલાઓ પાછળ તાલિબાનનો હાથ હોવાનુ મનાઈ રહ્યુ છે, કારણકે આત્મઘાતી હુમલાખોરો મોકલીને હુમલો કરાવવાની તાલિબાનની સ્ટાઈલ છે. છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તાનમાં બોમ્બ ધડાકાની ઘટનાઓ વધી ગઈ છે. 24 નવેમ્બરે થયેલા એક હુમલામાં પણ 14 લોકોના મોત થયા હતા અને 45 લોકો ઘાયલ થયા હતા. બે દિવસ પહેલા જ આર્મીએ દસ વિસ્ફોટકોને નિષ્ક્રિય કરીને મોટો હુમલો ટાળ્યો હતો. હુમલા એવી સમયે થઈ રહ્યા છે જ્યારે અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનમાંથી પાછા જવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.