એકાઉન્ટન્સી જાયન્ટ KPMG કન્સ્ટ્રક્શન ગ્રુપ કેરિલિઓનના પતન પહેલા રેગ્યુલેટરને ખોટી માહિતી આપવા બદલ £14.4 મિલિયનનો દંડ અને કાનૂની ખર્ચ પેટે £4.3 મિલિયન ચૂકવવા સંમત થયું હતું. પરંતુ ભૂતપૂર્વ કર્મચારીઓએ તેમની પેનલ્ટી માટે રાહ જોવી પડશે. અલગથી, KPMGને કથિત બેદરકારીને કારણે કેરિલિઓનના લિક્વિડેટર તરફથી £1.3 બિલિયનના મુકદ્દમાનો પણ સામનો કરવો પડે છે. KPMG જોકે આ પગલાને પડકારી રહી છે અને દલીલ કરે છે કે તે નાદારી માટે જવાબદાર નથી.

કેરિલિઓન જાન્યુઆરી 2018માં સૌથી વધુ હાઇ-પ્રોફાઇલ યુકે કોર્પોરેટ ઇન્સોલ્વન્સીમાંના એકમાં ભાંગી પડ્યું હતું. માર્ચ 2021માં ફરિયાદ નોંધાયા બાદ FRCએ આ વર્ષની શરૂઆતમાં KPMG સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી હતી.

આક્ષેપ કરાયો હતો કે KPMG દ્વારા કરવામાં આવેલા બે કેરિલિઓન ઓડિટમાં અમુક કર્મચારીઓ દ્વારા “ખોટી અને ભ્રામક માહિતી” પૂરી પાડવામાં આવી હતી. જે કર્મચારીઓ હવે ત્યાં કામ કરતા નથી.

કેપીએમજી યુકેના ચીફ એક્ઝિક્યુટિવ જોન હોલ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમારી પેઢીમાં આવી ગંભીર ગેરવર્તણૂક થઈ છે તે બદલ અમે ખૂબ જ દિલગીર છીએ. તે ગેરવાજબી અને ખોટું હતું. તે અમારી પ્રક્રિયાઓનું ઉલ્લંઘન હતું અને અમારા મૂલ્યોનો વિશ્વાસઘાત હતો.”

યુકે સત્તાવાળાઓ ઓડિટ અને કન્સલ્ટિંગ પ્રવૃત્તિઓને અલગ કરી બિગ ફોર – ડેલોઇટ, EY, KPMG અને PwCના વર્ચસ્વને અંકુશમાં લેવા માંગે છે.