તાજેતરમાં જર્મનીમાં થયેલા એક સર્વે મુજબ પહેલાની સરખામણીમાં લોકોને કોરોનાનો ડર ઘટયો છે પરંતુ આંકડા તપાસતા માલુમ પડે છે કે કોરોના કરતા પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભય તેમને વધારે લાગે છે ડર પર આધારિત આ સર્વે છેલ્લા 32 વર્ષથી થાય છે.  આ વખતે કોરોના મહામારી હોવાથી લોકો કોરોના થવાનો ડર સૌથી વધુ દર્શાવશે એમ માનવામાં આવતું હતું પરંતુ ટ્રમ્પ કોરોના કરતા પણ આગળ નીકળી ગયા છે. અમેરિકામાં આગામી નવેમ્બર માસમાં પ્રમુખની ચુંટણી આવી રહી છે તેમાં વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તા પર આવવા માગે છે પરંતુ જો તે ફરી ચુંટાશે તો શું થશે એ વાતનો જ લોકોમાં ભય જોવા મળી રહયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ સર્વે માટે 14 વર્ષથી વધુ ઉંમર ધરાવતી 2400 મહિલાઓ અને પુરુષોને સવાલ કરવામાં આવ્યા હતા. જુનની શરુઆતથી માંડીને જુલાઇના અંત સુધી રિસર્ચરોએ લોકોને જુદા જુદા સવાલ પુછયા હતા. જેમાં રાજકારણ,અર્થ વ્યવસ્થા,પર્યાવરણ જેવા વિષયોથી માંડીને અંગત ડરનો પણ સમાવેશ થતો હતો. કોરોના મહામારીએ દુનિયામાં ભરડો લીધો હોવા છતાં 32 ટકા લોકોને ડર જોવા મળતો હતો. 42 ટકા લોકોનું એવું માનવું હતું કે ગ્લોબલાઇઝેશનના કારણે હજુ પણ કોરોના ઉપરાંતની મહામારીઓ જોવા મળી શકે છે. લોકોને પોતાના સ્વાસ્થ્ય કરતા પણ અર્થતંત્રની ચિંતા હતી..