અયોધ્યામા રામ મંદિરના નિર્માણ માટે ભારત સરકારે જાહેર કરેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પછી હવે રામ મંદિરના નિર્માણની કાર્યવાહી ઝડપથી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ રામ મંદિરનું ગર્ભગૃહ સુવર્ણમય બનાવવામાં આવશે. ગર્ભગૃહને સોનાથી મઢવાની જવાબદારી પટણાના જાણીતા મહાવીર મંદિરે લીધી છે. આ અંગે મહાવીર સ્થાનના ન્યાસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે, રામ મંદિરના ગર્ભગૃહ માટે જરૂરી બધું જ સોનુ ટ્રસ્ટ આપશે. બીજી તરફ આ મંદિરના ભવ્ય અને દિવ્ય સ્વરૂપ માટે શ્રીરામ જન્મભૂમિ પુનરૂદ્ધાર સમિતિ અને રામાલય ન્યાસએ પણ મંદિરને હેમ મંડિત, સોના તેમજ રત્ન જડેલા આભૂષણો માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાનુ જાહેર કર્યુ છે.
રામ મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક 18 અને 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં યોજાશે. ટ્રસ્ટની આ બેઠકમાં મુખ્ય સભ્યો તેમજ બીજા સભ્યોની પસંદગી અને રામ મંદિરના નિર્માણ માટેની તારીખને પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.