મુંબઇમાં બાકી નીકળતા લેણા વસૂલવા માટે મુલુંડના મસાલાના કચ્છી વેપારીનું ગયા સપ્તાહે કથિત અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. પોલીસે ૨૪ કલાકમાં જ ચાર આરોપીને પુણેથી પકડી પાડી વેપારીને હેમખેમ છોડાવ્યો હતો.

મુલુંડ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ રોહિત ઘારે, મહેશ જોંધળે, રોહન ગરાડે અને આકાશ કરંજાવણે તરીકે થઈ હતી. પકડાયેલા આરોપીઓ પણ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ તપાસમાં જણાયું હતું કે આરોપીઓએ વેપારી પાસેથી રૂપિયા લેવાના નીકળતા હતા. એ રકમ વેપારી ચૂકવી શક્યો નહોતો. શુક્રવારે,4 સપ્ટેમ્બરે વેપારી આરોપીને મળવા અંધેરી ગયો હતો, જ્યાંથી તેનું કથિત અપહરણ કરી તેને પુણે લઈ જવામાં આવ્યો હતો. બાદમાં વેપારીના મોબાઈલ ફોન પરથી તેના પિતાને કૉલ કરવામાં આવ્યા હતા.

વેપારીએ અમારી પાસેથી રૂપિયા લીધા હોઈ રાતે ૧૨ વાગ્યા સુધીમાં ૩.૬૦ લાખ રૂપિયા ચૂકવી દેવાની કથિત ધમકીભર્યો ફોન સાંજે ચાર વાગ્યાની આસપાસ આરોપીએ વેપારીના પિતાને કર્યો હતો. વેપારીને લોનાવલા લઈ જવામાં આવ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું. જો રૂપિયા ચૂકવવામાં સવાર થઈ જશે તો પાંચ લાખ રૂપિયા આપવા પડશે. ત્યાં સુધી વેપારીને છોડવા નહીં આવે, એવું આરોપીએ કહ્યું હતું. આ પ્રકરણે મુલુંડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.