કોરોનાવાયરસની મહામારીને કારણે આખું વિશ્વ પરેશાન છે અને દુનિયાભરનું અર્થતંત્ર ભીંસમાં મુકાયું છે ત્યારે ફાઈઝર અને બાયોએનટેક દ્વારા નિર્મીત કોરોનાવાયરસની વેક્સિનને બ્રિટનની મેડિસિન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટી (MHRA)એ ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. યુકે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જેણે ફાઈઝર – બાયોએનટેક કોરોનાવાયરસ રસીને મંજૂરી આપી છે અને આગામી સપ્તાહમાં લોકોને વેક્સિન આપવાની શરૂઆત થાય એવી પૂરી સંભાવના છે. બીજી તરફ ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી પણ આવી રહી છે જેના માટે હજી પણ મોટી આશાઓ રાખવામાં આવી રહી છે. યુકેએ પહેલેથી જ આ જેબના 40 મિલિયન ડોઝ મંગાવ્યા છે જે જોતા તે 20 મિલીયન લોકોને રસી આપવા માટે પૂરતા છે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે “આ રસીઓનું સંરક્ષણ છે જે આખરે આપણને આપણું જીવન બચાવવામાં અને અર્થતંત્રને ફરી આગળ વધારવાની મંજૂરી આપશે.”

MHRAના વડા ડો. જૂન રૈને જણાવ્યું હતું કે ‘’રસીને ઝડપથી મંજૂરી આપવામાં આવી હોવા છતાં કોઈ બાબતને નજરઅંદાજ કરવામાં આવી નથી. આ રસીના બેચીસનું લેબ્સમાં પરીક્ષણ કરવામાં આવશે જેથી દરેક રસી સલામતીના સમાન ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરે.’’

MHRAનું કહેવું છે કે ‘’આ વેક્સિન સુરક્ષાના બધા માપદંડોને મળતી આવે છે અને તે અભ્યાસ દરમિયાન સારી અને અસરકારક સાબિત થઇ છે. અમેરિકાની ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક દ્વારા બનાવાયેલી કોરોનાવાયરસ વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 95 ટકા જેટલી અસરકારક સાબિત થઈ છે અને હજૂ સુધી તેની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. આ રસી ઉંમરલાયક લોકો પર અસરકારક થઇ રહી છે.

કમિશન ઓન હ્યુમન મેડિસિન એક્સપર્ટ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ પ્રો. સર મુનીર પીરમોહદે જણાવ્યું હતું કે, આ રસીની આડઅસર ખૂબ જ હળવી હોય છે અને તે અન્ય કોઈ રસીની આડઅસરો જેવી જ સામાન્ય હોય ​​છે જે એકાદ દિવસ સુધી ચાલે છે.

આ રસીના પહેલા ઇન્જેક્શન પછી 21મા દિવસે બીજુ બુસ્ટર ઇંજેક્શન આપવામાં આવશે. પ્રથમ રસી લીધા પછી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ શરૂ થવાની શરૂઆત થાય છે પરંતુ બીજી રસી અપાયાના સાત દિવસ પછી તેની સંપૂર્ણ અસર થાય છે.

પરંતુ નિષ્ણાતોએ કહ્યું હતું કે લોકોને હજી પણ જાગૃત રહેવાની અને વાયરસના ફેલાવાને રોકવા માટેના નિયમોનું પાલન કરવાની જરૂર છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે ‘’પ્રથમ 800,000 ડોઝ આવતા અઠવાડિયાથી યુકેમાં ઉપલબ્ધ થશે અને જે લોકોએ રસી આપવાની હશે તેમનો એનએચએસ દ્વારા સંપર્ક કરવામાં આવશે. કેર હોમ્સ અને કેર હોમ સ્ટાફને સૌ પ્રથમ રસી આપવામાં આવશે. તે પછી 80 વર્ષ કરતા વધુ વયના વૃધ્ધો અને હેલ્થ એન્ડ કેર કર્મચારીઓને રસી અપાશે. બેલ્જિયમમાં ફાઇઝર દ્વારા તૈયાર કરવામાં આવેલા રસીના ડોઝ આવતા અઠવાડિયે બ્રિટન આવી જશે અને ડિસેમ્બર માસ દરમિયાન બીજા લાખ્ખો ડોઝ આવશે. જો કે રોલઆઉટનો મોટો ભાગ આવતા વર્ષે આવશે. 2020નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે અને હવે 2021 વધુ સારું બનશે એવી આશા છે. મને વિશ્વાસ છે કે ઇસ્ટર પછી બધું સારૂ થઈ રહેશે અને આવતા વર્ષે સમરનો આનંદ દરેક લોકો મેળવી શકશે.”

મેટ હેનકોકે જણાવ્યું હતું કે ‘’હું “રોમાંચિત” છું કે રસીને મંજૂરી મળી ગઈ છે. આ રસી મફત આપવામાં આવશે પણ તે રસી લેવાનું ફરજિયાત રહેશે નહીં. આ રસીકરણ કેન્દ્રોમાં નાઈટીંગેલ્સ પ્રોજેક્ટ જેવા અને કેટલીક નાઇટિંગેલ્સ હોસ્પિટલોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત કોમ્યુનિટી, જી.પી. અને ફાર્માસિસ્ટ્સ પણ રસી આપશે. સરકારે આ વેક્સિન સરળતાથી દરેક નાગરિકને મળી જાય એ માટે તેના ડોક્ટરો, આર્મી, લગભગ 50 જેટલી હોસ્પિટલ્સને સ્ટેન્ડ બાય રાખ્યા છે. કોન્ફરન્સ સેન્ટર્સ અથવા સ્પોર્ટ્સ સ્ટેડિયમ જેવા સ્થળોએ અને રસીકરણ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. તેમની મદદ માટે લાઇફગાર્ડ્સ અને એરલાઇન સ્ટાફને પણ લાવવામાં આવશે.’’

હોસ્પિટલોમાં પહેલેથી જ -70 ડીગ્રી સેલ્સીયસના તપામાનમાં રસીનો સંગ્રહ કરવાની સગવડ હોવાથી જરૂરીયાત મુજબ કેર હોમ સ્ટાફ, એનએચએસ સ્ટાફ અને દર્દીઓને સૌથી પ્રથમ રસી અપાય તેવી સંભાવના છે જેથી કોઈ પણ રસી વેડફાય નહિં.

સામાન્ય રીતે રસી બનાવવામાં 10 વર્ષ સુધીનો સમય લાગે છે પણ ફાઈઝર અને બાયોએનટેકે આ રસી માત્ર 10 મહિનાના સમયગાળામાં જ બનાવી દીધી છે જે જોતા આ સૌથી ઝડપી રસી છે.

એનએચએસના ચીફ એક્ઝિક્યુટિવ સર સાઇમન સ્ટીવન્સે જણાવ્યું હતું કે આરોગ્ય સેવા “આપણા દેશના ઇતિહાસમાં સૌથી મોટા પાયે રસીકરણ અભિયાન” માટેની તૈયારી કરી રહી છે.’’

યુકેને વસંત ઋતુ સુધીમાં 40 મિલિયન ડોઝનું વચન આપવામાં આવ્યું છે  જે હેલ્થ એન્ડ કેર વર્કર તથા  65 વર્ષથી ઉપરના દરેકને જરૂરી બે જેબ આપવા માટે પૂરતું છે. યુકેએ ઑક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની કોવિડ રસીના 100 મિલિયન ડોઝ ઓર્ડર કર્યા છે. જે હોસ્પિટલના સામાન્ય ફ્રીજમાં પણ રાખી શકાય છે.

રસીની સાચવણી

આ રસીને -70 ડીગ્રી સેલ્સીયસના નીચા તાપમાને સંગ્રહ કરવો જરૂરી છે. તેને ડ્રાય આઇસથી ભરેલા વિશેષ બૉક્સમાં લઇ જવામાં આવશે. એક બોક્ષમાં 5,000 ડોઝ ભરવામાં આવશે. એકવાર રસી પહોંચાડ્યા પછી તેને ફ્રિજમાં પાંચ દિવસ સુધી રાખી શકાય છે અને એકવાર ફ્રિજની બહાર કાઢ્યા પછી તેનો છ કલાકની અંદર ઉપયોગ કરવાનો હોય છે.