પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકા અને યુરોપ હજુ તો કોરોનાની બીજી લહેરના મારમાંથી બેઠા પણ નથી થયા ત્યાં વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ દુનિયાને ખાસ કરીને યુરોપના વિકસિત દેશોને 2021ના પ્રારંભમાં કોરોનાનીત્રીજી લહેર માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે.

વૈશ્વિક સંસ્થાએ ભારપૂર્વક કહ્યું છે કે કોરોના વાઈરસનો પ્રસાર રોકવા માટે યુરોપીયન દેશોએ ઉનાળાની સિઝનમાં પર્યાપ્ત ઉપાય નથી કર્યા, તેના કારણે યુરોપીયન દેશોમાં કોરોનાની બીજી લહેર આવી છે. ભારતમાં પણ તહેવારોના સમયમાં પ્રજાની બેદરકારી અને સરકારની નરમાઈને પગલે કોરોનાની બીજી લહેરને પગલે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો સાવધાની નહીં રાખે અને સરકારો કડક વલણ નહીં દાખવે તો સમગ્ર વિશ્વ ફરી એક વખત લોકડાઉન તરફ ધકેલાઈ શકે છે, જે ફરીથી બેઠા થતાં અર્થતંત્રો પર પડતા પર પાટુ સમાન સાબિત થઈ શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના વિશેષ રાજદૂત ડેવિડ નાબરોએ કહ્યું કે હજી પણ સમય છે, કોરોના મહામારીને રોકવા માટે આકરાં પગલાં લેવામાં નહીં આવે તો 2021ની શરૂઆતમાં દુનિયાએ ખાસ કરીને યુરોપના દેશોમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર આવી શકે છે.

નાબરોએ ઉમેર્યું હતું કે ઉનાળાના સમયમાં યુરોપીયન દેશો કોરોનાનો પ્રસાર રોકવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં નિષ્ફળ ગયા છે. આથી દુનિયાએ કોરોના વાઈરસની બીજી લહેરના પ્રકોપનો સામનો કરવો પડયો છે. યુરોપીયન દેશો હજુ પણ કોરોનાનો પ્રસાર રોકવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નહીં કરી શકે તો આગામી વર્ષની શરૂઆતમાં તેમણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું પડશે.

યુરોપમાં કોરોનાની બીજી લહેર વચ્ચે નવા કેસોમાં સતત ઊછાળો આવી રહ્યો છે. જર્મની અને ફ્રાન્સમાં સંયુક્તરૂપે 33,000 નવા કેસ સામે આવ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયામાં પણ દૈનિક હજારો કેસ સામે આવી રહ્યા છે. તુર્કીમાં એક દિવસમાં વિક્રમી 5,532 નવા કેસ નોંધાયા છે. આવી પરિસ્થિતિમાં સરકાર અને વેપારીઓને અર્થતંત્રની ચિંતા સતાવી રહી છે.

અમેરિકામાં કોરોનાના કુલ કેસ 1,20,88,410ને પાર થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક 2,55,861 થયો છે તેમ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના અહેવાલમાં જણાવાયું છે. છેલ્લા બે સપ્તાહમાં દૈનિક 1,00,000થી વધુ કેસ નોંધાયા. મેક્સિકોમાં પણ કોરોનાથી મૃત્યુઆંક 1,00,000ને પાર થયો. એક લાખથી વધુ મોત થયા હોય તેવો વિશ્વનો ચોથો દેશ બન્યો. દક્ષિણ કોરિયામાં પણ સતત ત્રીજા દિવસે કોરોનાના 300થી વધુ નવા કેસ નોંધાયા છે.