પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોવિડ-19ના કારણે એક મિલિયનથી વધુ બ્રિટીશર્સ પોતાના ઘરોમાં સેલ્ફ આઇસોલેટ થઇને અટવાયેલા છે ત્યારે આજે શાળાઓ શરૂ થતા અને લોકો કામે ચઢતા સ્થિતી વધુ ભયાનક બને તેવા આણસાર આવી રહ્યા છે. આવા સમયે લોકો કામ પર ચઢી શકે તે આશયે સાંસદો અને બિઝનેસીસે પણ આઇસોલેશનની અવધિમાં કાપ મૂકવાની હાકલ કરી છે. સૈનિકોને એમ્બ્યુલન્સ ચલાવવા તેમજ બોર્ડર ફોર્સને મદદ કરવા માટે કહેવામાં આવી શકે છે.

વડા પ્રધાન બોરિસ જૉન્સને સોમવારે જણાવ્યું હતું કે, કોવિડ-19નું ઓમિક્રોન વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ્સ કરતાં “હળવુ” છે અને ઓછા લોકોને ICUમાં દાખલ કરવા પડે છે. જો કે તેમણે કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ થવા સામે રક્ષણ મેળવવા માટે બૂસ્ટર રસીનો ડોઝ લેવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો. હાલમાં ICUમાં દાખલ થયેલા મોટાભાગના લોકોએ “બૂસ્ટર” રસીનો ડોઝ લીધો ન હોવાનું બહાર આવ્યું છે.

જૉન્સને કહ્યું હતું કે “ઓમિક્રોન અદ્ભુત રીતે ખૂબ જ ઝડપથી ફેલાય છે – તે અગાઉના પ્રકારોથી અલગ છે. ભલે તેને કારણે ઓછા લોકોને આઈસીયુમાં જવું પડતું હોય પણ દુર્ભાગ્યે જે લોકો આઈસીયુમાં જઈ રહ્યા છે તેમણે બૂસ્ટર ડોઝ લીધા નથી. હું આપણી હોસ્પિટલોની પ્રશંસા કરું છું.’’

તેમણે કેબિનેટ પ્રધાનો દ્વારા અગાઉ વ્યક્ત કરાયેલા મંતવ્યોનો પડઘો પાડતા જણાવ્યું હતું કે વધુ લોકડાઉન પગલાંની જરૂર ન હોઈ શકે પરંતુ સ્વીકાર્યું હતું કે NHS પર દબાણ આવતા કેટલાક અઠવાડિયા માટે નોંધપાત્ર રહેશે.

સુપર-માઇલ્ડ ઓમિક્રોન વેરિઅન્ટ અર્થતંત્રને લકવાગ્રસ્ત કરવાની અને મહત્વપૂર્ણ સેવાઓને બંધ કરાવવાની ધમકી આપે છે ત્યારે વડા પ્રધાન બોરિસ જૉન્સન સેલ્ફ આઇસોલેશન કટોકટીનો અંત લાવવા માટે વધતા દબાણનો સામનો કરી રહ્યા છે. દેશ હાલ ‘સેમી-લોકડાઉન’ જેવી સ્થિતીનો સામનો કરી રહ્યો છે. સરકાર પર સંસર્ગનિષેધનો સમયગાળો પાંચ દિવસ સુધી ઘટાડવા દબાણ થઇ રહ્યું છે. જો કે જૉન્સને તે કોલને નકારી કાઢીને જણાવ્યું છે કે આમ કરવાથી સ્ટાફિંગ કટોકટી વધુ ખરાબ થઈ શકે છે. તેમણે ચેતવણી આપી છે કે રોગચાળો સમાપ્ત થઈ ગયો છે તેવું માનવું ‘મૂર્ખતા’ છે.

બીજી તરફ ઓમિક્રોનના હુમલા બાદ લંડનમાં કોવિડ માટે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં પ્રથમ વખત ઘટાડો થયો છે અને એવી આશાને ઉત્તેજિત કરવામાં આવી હતી કે સૌથી ખરાબ મોજાની ટોચ પર પહોંચી ગયા હોઇશુ. સરકાર પ્રી-રીટર્ન કોવિડ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ટેસ્ટ બુધવારથી રદ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

એજ્યુકેશન મિનિસ્ટર નદીમ ઝહાવીએ જણાવ્યું હતું કે ‘’સારા નસીબે અમે ડેલ્ટા જેવી સમાન પેટર્ન જોઈ રહ્યા નથી. મને આશા છે કે કોવિડ-19 ચેપ વધુ હોવા છતાં વધુ લોકડાઉન પ્રતિબંધોની જરૂર નહીં પડે. સારા સમાચાર એ છે કે 50 વર્ષથી વધુ ઉંમરના 90 ટકા લોકોએ બૂસ્ટર જૅબ લીધી છે અને તે રસી ગંભીર ચેપ અને હોસ્પિટલમાં દાખલ થવા સામે વાસ્તવિક રક્ષણ આપે છે. અમે બુધવારની સમીક્ષા પર ધ્યાન આપીશું અને ખૂબ જ કાળજીપૂર્વક ડેટાનું નિરીક્ષણ કરીશું.‘’

ઈંગ્લેન્ડમાં ઓમિક્રોન વાઇરસનો ચેપ મેળવનાર લોકોની સંખ્યા તા. 1 શનિવારના રોજ 1,62,572 અને રવિવારે 1,37,583ની હતી. જો કે ICUમાં દાખલ થતા લોકોની સંખ્યા ઘટી છે. સેકન્ડરી સ્કૂલોમાં ફરજિયાત ફેસ માસ્ક પહેરવાના નિયમોનો આ અઠવાડિયાના અંતમાં પ્રારંભ થાય છે. શાળાઓમાં સાઇટ પર ઝડપી એન્ટિજેન લેટરલ ફ્લો ટેસ્ટ કરાશે.

સરકાર વર્તમાન પ્લાન B પગલાંઓમાં કોઈપણ ફેરફારોનું મૂલ્યાંકન કરવા બુધવારે ડેટાની સંપૂર્ણ સમીક્ષા કરવા માટે તૈયાર છે. હાલમાં ફરજિયાત ચહેરો ઢાંકવો, ઘરેથી કામ કરવું અને મોટા સ્થળો માટે કોવિડ રસીકરણ પાસનો ઉપયોગ કરાય છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં પણ સમાન પ્રતિબંધો છે.

NHS પ્રોવાઇડર્સના CEO ક્રિસ હોપ્સને જણાવ્યું હતું કે ‘’લંડનમાં હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પણ બાકીનો દેશ હવે દબાણ હેઠળ છે. કેટલાક ટ્રસ્ટ સ્ટાફની અછત અનુભવી રહ્યા છે અને તેને ગંભીર ઘટનાઓ જાહેર કરે છે. જો કે લંડનમાં NHS હાલમાં ‘કૉપ’ કરી રહ્યું છે.’’

કન્ઝર્વેટિવ બેકબેન્ચર્સ અને બિઝનેસ લીડર્સનો ગુસ્સો વધી રહ્યો છે. દેશ એક એવા સ્ટ્રેઇનના કારણે લકવાગ્રસ્ત બની રહ્યો છે જે ખૂબ હળવો છે અને મોટાભાગના લોકોમાં તેના કોઈ લક્ષણો દેખાતા નથી.

ટોરી એમપી ક્રેગ મેકિનલે દલીલ કરે છે કે ‘’યુ.એસ. અને ફ્રાન્સમાં આઇસોલેશનનો ગાળો અઠવાડિયાથી પાંચ દિવસ સુધી ઘટાડવામાં આવ્યો છે. લોકો કામથી દૂર છે, તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે છતાં અમે લગભગ અર્ધ-લોકડાઉનનો સામનો કરી રહ્યા છીએ.’

નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટના સલાહકાર નીલ ફર્ગ્યુસને જણાવ્યું હતું કે ‘’ઓમિક્રોન હોટસ્પોટ લંડનમાં ચેપનો દર ઘટી રહ્યો છે અને માત્ર એક અઠવાડિયામાં રાષ્ટ્રીય સ્તરે ઘટાડો શરૂ થઈ શકે છે. લંડનમાં 18-50 વર્ષની વય જૂથમાં ઓમિક્રોન રોગચાળો ફેલાવી રહ્યો છે, જે સંભવતઃ ઉચ્ચ સ્તરે આવી શકે છે. પરંતુ અમે અપેક્ષા રાખીશું કે આવતા અઠવાડિયામાં કેસની સંખ્યા ઓછી થવાનું શરૂ થશે, કદાચ. લંડનમાં પહેલેથી જ નીચે આવી રહ્યો છે, પરંતુ અન્ય પ્રદેશોમાં એક અઠવાડિયાથી ત્રણ અઠવાડિયાનો સમય લાગશે.’’

બીજી તરફ સરકાર હજુ પણ લોકોને કહી રહી છે કે જો તેઓ કરી શકે તો ઘરેથી કામ કરે.