વિશ્વભરમાં કોરોનાના 25.57 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1.78 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 6 લાખ 90 હજાર 445 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. યુએને કહ્યું છે કે મહામારીના કારણે દુષ્કાળનું જોખમ છે, અમેરિકન રાજ્ય મિસૌરીએ ચીન પર કેસ કર્યો છે. એશિયામાં મહામારીથી 15 હજાર 523 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 લાખ 12 હજાર 247 લોકો સંક્રમિત છે. તુર્કીમાં 95 હજાર 591 લોકો સંક્રમિત છે. જ્યારે 2259 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે મહામારીના કારણે વિશ્વમાં ઘણા દેશોમાં દુષ્કાળ પડવાનું જોખમ છે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમના પ્રમુખ ડેવિડ બેસ્લેએ કહ્યું હતું કે 30થી વધારે વિકાસશીલ દેશોએ દુષ્કાળને રોકવા માટે કાર્યવાહી કરવી જોઈએ. આ સંકટના કારણે લગભગ 26.5 કરોડ લોકોએ ભુખમરીનો સામનો કરવો પડી શકે છે.

ફૂડ ક્રાઈસિસના ચોથા રિપોર્ટમાં યમન, કોંગો, અફઘાનિસ્તાન, વેનેઝુએલા, ઈથિયોપિયા, દક્ષિણ સુદાન, સીરિયા, નાઈઝીરીયા અને હૈતીનો સમાવેશ કરાયો છે. મહામારી પહેલા પણ પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયાના અમુક ભાગમાં દુષ્કાળથી ગંભીર ખાદ્ય સંકટ હતું. એક વીડિયો કોન્ફરન્સ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બેસ્લેએ કહ્યું કે વિશ્વએ બુદ્ધિથી અને ઝડપથી કામ કરવું પડશે. વાસ્તવિકતા એ છે કે આપણી પાસે વધુ સમય નથી. થોડા મહિના પછી આપણી સામે દુષ્કાળ જેવી સ્થિતિ હશે.

અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં 8.19 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. 45 હજાર 340 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 24 કલાકમાં 2804 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકામાં 60 દિવસ સુધી પ્રવાસીઓને આવવા ઉપર પ્રતિબંધ રહેશે. અમેરિકામાં 24 કલાકમાં 25985 કેસ નોંધાયા છે. વોશિંગ્ટન પોસ્ટ મુજબ ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે ચેતવણી આપી છે કે કોરોનાની બીજી લહેર વધારે વિનાશકારી હશે. બીજી સંભાવા એ છે કે આગામી ઠંડીની મોસમમાં આપણે ફરી મહામારીના ભરડામાં આવી જશું.

ટ્રમ્પે કહ્યું કે ઈમિગ્રેશનના નિયમોમાં છૂટ પણ આપીશું. પણ અમેરિકાની અર્થવ્યવસ્થા ઉપર તે આધાર રાખશે કે અહીં કાયમી રહેનારા ઉપર 60 દિવસ પછી પણ પ્રતિબંધ વધશે કે નહીં. જરૂર પડશે તો તેને 30 દિવસ કે વધારે વધારવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા પહેલા પોતાના કારીગરોનું ધ્યાન રાખવા ઈચ્છે છે.

કોરોના સંકટના કારણે લાખો અમેરિકાના લોકોએ નોકરી ગુમાવી છે. તેમની સાથે અન્યાય નહીં થાય. ટ્રમ્પે કહ્યું કે મહામારી એવા સમયે ફેલાઈ જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું હતું. ચીન ઉપર તેઓના જેવી કડક વલણ કોઈએ અપનાવ્યું નથી. ખબર નથી કે અચાનક આ અદ્રશ્ય દુશ્મન ક્યાંથી આવી ગયો.