સાઉદી અરેબિયાના મદીના નજીક ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ એક ડીઝલ ટેન્કર સાથે અથડાતા ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા હોવાની આશંકા છે. સાઉદી અરેબિયાના સ્થાનિક મીડિયા અનુસાર મૃત્યુ પામેલા લોકોમાં લગભગ 42 ભારતીય નાગરિકો હતાં. મૃતકોમાં ઓછામાં ઓછી 11 મહિલાઓ અને 10 બાળકોનો સમાવેશ થાય છે, જોકે અધિકારીઓ હજુ પણ સંખ્યાઓની પુષ્ટી કરી ન હતી.
ખલીજ ટાઇમ્સે અહેવાલ મુજબ બસ મક્કાથી મદીના જઈ રહી હતી ત્યારે મુફ્રીહાટ નજીક ભારતીય સમય મુજબ રાત્રે 1.30 વાગ્યે આ દુર્ઘટના બની હતી. બસમાં મોટાભાગના મુસાફરો તેલંગાણાના હૈદરાબાદના હતાં. બસમાં ઘણા મુસાફરો ઉંઘી રહ્યાં હતાં, ત્યારે અકસ્માત થયો હતો. બસમાં આગ લાગી હતી, જેના કારણે તેમને બચવાની બહુ ઓછી તક મળી હતી.
બચાવ ટીમોએ જણાવ્યું હતું કે બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી, જેના કારણે મૃતકોની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. એક વ્યક્તિ મોહમ્મદ અબ્દુલ શોએબ બચી ગયો હતો અને હોસ્પિટલમાં છે.
તેલંગાણા સરકારે કહ્યું હતું કે તે રિયાધમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે અને મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ નવી દિલ્હીના અધિકારીઓને દૂતાવાસના અધિકારીઓ સાથે નજીકથી સંકલન કરવા જણાવ્યું છે. જેદ્દાહમાં ભારતીય દૂતાવાસે 24×7 કંટ્રોલ રૂમ પણ સ્થાપ્યો છે અને સહાય માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર (8002440003) જારી કર્યો હતો.
આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલા અકસ્માતથી ખૂબ જ દુઃખ થયું. મારી સંવેદના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. રિયાધમાં અમારું દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે. અમારા અધિકારીઓ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે પણ નજીકના સંપર્કમાં છે.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે બસમાં આગ લાગી ત્યારે 42 ઉમરાહ યાત્રાળુઓ હતા.અહેવાલો અનુસાર હૈદરાબાદ સ્થિત બે એજન્સીઓ અલ-મીના હજ અને ઉમરાહ ટ્રાવેલ્સ દ્વારા મુસાફરી કરનારા લગભગ 16 ઉમરાહ યાત્રાળુઓના મોત થયા હતાં.












