(ANI Photo/Imran Nissar)

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં શનિવારે ભારતીય આર્મીનું એક વ્હિકલ ઊંડી ખીણમાં ખાબકતા નવ સૈનિકોના મોત થયાં હતા અને અન્ય એક સૈનિકને ગંભીર ઇજા થઈ હતી. આ દુર્ઘટના ન્યોમા તાલુકાના કિયારી ગામ નજીક બની હતી. આ પહેલા ગત વર્ષના અંતમાં સિક્કિમમાં એક મોટી દુર્ઘટના થઈ હતી. જેમાં આર્મીની ટ્રક ખાઈમાં પડવાથી ત્રણ જેસીઓ અધિકારીઓ સહિત ૧૬ જવાનોના મોત થયા હતાં અને અન્ય ચાર ઘાયલ થયા હતાં.

લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પી ડી નિત્યાએ જણાવ્યું હતું કે આર્મીના વાહનમાં 10 સૈનિકો સવાર હતા. તેઓ લેહથી ન્યોમા જઈ રહ્યા હતાં ત્યારે તેના ડ્રાઈવરે વ્હિકલ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે સાંજે 4.45 વાગ્યે ખીણમાં પડી ગયું હતું. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલ સૈનિકોને આર્મી મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં આઠ જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. આ પછી અન્ય એક જવાનનું મૃત્યુ થયું હતું. અધિકારીએ કહ્યું કે વધુ એક જવાનની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત ગંભીર છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સૈનિકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લદ્દાખમાં લેહ નજીક અકસ્માતમાં ભારતીય આર્મીના જવાનોના મોતથી દુઃખી છું. આપણે અમારા રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલીશું નહીં. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલ જવાનોને ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેઓના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના.

LEAVE A REPLY

one − 1 =