(ANI Photo)

ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) માટે ચાલી રહેલી વાટાઘાટો અંગે અપડેટ આપતાં જણાવ્યું હતું કે આ સમજૂતીના 26માંથી 20 ચેપ્ટર અંગે સંમતી સધાઈ છે.

તેમણે જણાવ્યું હતું કે “અમે યુકે સાથે વાટાઘાટોના ઘણા રાઉન્ડ કર્યા છે. હાલમાં અમે અલગ-અલગ ટ્રેક પર સક્રિય સંવાદ કરી રહ્યાં છીએ. મુક્ત વેપાર કરારના 26માંથી લગભગ 20 પ્રકરણો બંધ થયા છે. બાકી રહેલા કેટલાક મુદ્દાઓમાં એવું કંઈ નથી જેનો ઉકેલ ન લાવી શકાય. ભવિષ્યના 20, 30, 50 વર્ષમાં આ સમજૂતીથી કેવી અસર થશે તેને ધ્યાનમાં રાખવું પડે છે. તેથી તે ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. કોઇ વ્યક્તિ ક્યારેય મુક્ત વેપાર કરાર માટે ઉતાવળ કરતો નથી.

વાટાઘાટોમાં અમુક મુદ્દાઓની સંવેદનશીલતાને સ્વીકાર કરતાં ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને પક્ષોની ટીમો એકબીજા માટે નિર્ણાયક બાબતોનો ઉકેલ લાવી રહી છે. બંને પક્ષો એવા મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યા છે જે એકબીજા માટે ખૂબ જ સંવેદનશીલ છે તથા એકબીજા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને અમે આશા રાખીએ છીએ કે આગામી અઠવાડિયામાં અમે કોઈ નિષ્કર્ષ પર આવી શકીશું.

ભારત અને યુકે વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2021-22માં $17.5 બિલિયનથી વધીને 2022-23માં $20.36 બિલિયન થયો છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments