ઈંગ્લેન્ડ વિરુદ્ધ 25 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી પાંચ ટેસ્ટ ક્રિકેટ મેચની સીરિઝમાંથી પ્રથમ બે ટેસ્ટમાંથી વિરાટ કોહલી બહાર થઈ ગયો છે. ભારતનો આ સ્ટાર બેટર અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં.
બીસીસીઆઈએ જણાવ્યું હતું કે વિરાટ કોહલીએ અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. કોહલીએ બીસીસીઆઈને ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાંથી ખસી જવાની વિનંતી કરી છે. વિરાટ કોહલીએ આ અંગે કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સાથે વાતચીત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું છે કે દેશનું પ્રતિનિધિત્વ કરવું હંમેશા તેની ટોચની પ્રાથમિકતા રહી છે, પરંતુ કેટલાક અંગત સંજોગો ઉભા થયા છે જેના કારણે તે પ્રથમ બે ટેસ્ટ મેચનો ભાગ બની શકશે નહીં.
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. પ્રથમ ટેસ્ટ 25-29 જાન્યુઆરી, હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવેશે. બીજી ટેસ્ટ 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમના ડો વાયએસ રાજશેખર ક્રિકેટ સ્ટેડિયમમાં તથા ત્રીજી ટેસ્ટ 15-19 ફેબ્રુઆરી, રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ રમાશે. ચોથી ટેસ્ટ 23-27 ફેબ્રુઆરીએ રાંચીમાં અને પાંચમી ટેસ્ટ 7-11 માર્ચ દરમિયાન ધર્મશાલામાં રમાશે.