કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ બુધવારે જાહેર કરેલા તેમના 28 સભ્યોના પ્રધાનમંડળમાં ભારતીય મૂળના ચાર સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્નીએ નવી પરંપરા ઊભી કરીને રાજ્ય કક્ષાના 10 પ્રધાનો પણ બનાવ્યાં છે.
અનિતા આનંદને વિદેશ પ્રધાન અને મનિન્દર સિદ્ધુ ઇન્ટરનેશન ટ્રેડના પ્રધાન જેવા મહત્ત્વના ખાતા સોંપવામા આવ્યાં છે. રૂબી સહોતા અને રણદીપ સરાઈને રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમની પદોન્નતિ કેનેડાના રાજકારણમાં ભારતીય સમુદાય માટે એક નવો અધ્યાય છે. માર્ચમાં કાર્નીએ 24 સભ્યોની કેબિનેટ બનાવી હતી, જેમાં ભારતીય મૂળના બે પ્રધાનો હતાં.
57 વર્ષીય અનીતા આનંદે હિન્દુ ધર્મગ્રંથ ભગવદ ગીતા પર હાથ મૂકીને વિદેશ પ્રધાન પદના શપથ લીધા હતાં. આ પહેલાં તેઓ સંરક્ષણ પ્રધાનની જવાબદારી નિભાવી ચૂક્યા છે. અનીતા આનંદનો જન્મ નોવા સ્ફોટિયાના કેંટવિલમાં થયો હતો. તેમના પિતા મૂળ તમિલનાડુ અને માતા પંજાબના હતાં. તેમના માતા-પિતા બંને ડૉક્ટર હતાં અને 1960ના દાયકાની શરૂઆતમાં ભારતથી કેનેડા આવ્યા હતાં.
અમેરિકા સામે ટ્રેડવોર વચ્ચે બ્રૈમ્પટન ઈસ્ટના સાંસદ મનિંદર સિદ્ધુને ઇન્ટરનેશનલ ટ્રેડ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
રૂબી સહોતાને અપરાધ નિયંત્રણ મામલાના રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. તે 2015થી બ્રૈમ્પટન નોર્થના સાંસદ છે. પહેલાં તેઓ વકીલ હતાં અને યુવાઓ સાથે જોડાયેલા મુદ્દા પર કામ કરતા હતાં. તેમણે સસ્કેચેવાન યુનિવર્સિટીથી લૉની ડિગ્રી હાંસલ કરી છે અને સાર્વજનિક સેવામાં કારકિર્દી બનાવતા પહેલાં તેમનું બેકગ્રાઉન્ડ ઇમિગ્રેશન અને કૌટુંબિક કાયદામાં હતું.
સરે સેન્ટરના સાંસદ રણદીપ સરાયને આંતરરાષ્ટ્રીય વિકાસ મામલાના રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેઓ વિદેશમાં કેનેડાની મદદ અને સહયોગ યોજનાઓની જવાબદારી સંભાળશે. સંસદ સભ્યના તરીકે સરાયનો ચોથો કાર્યકાળ છે. તેમણે પહેલીવાર 2015માં ચૂંટાયા હતાં, બાદમાં 2019 અને 2021માં ફરી ચૂંટાયા હતાં. કેનેડાની તાજેતરની સામાન્ય ચૂંટણીમાં ભારતીય મૂળના રેકોર્ડ 22 ઉમેદવારો સંસદમાં પહોંચ્યા ગત સંસદમાં આ સંખ્યા 17 હતી.
