New government likely to be sworn in by December 12
FILE PHOTO (PTI Photo)

ગુજરાતના વિસાવદર અને કડી વિધાનસભા બેઠકમાં ગુરુવાર, 19 જૂને યોજાઈ રહેલી પેટાચૂંટણીના પ્રથમ ચાર કલાકમાં અનુક્રમે 28.15 ટકા અને 23.85 ટકા મતદાન થયું હતું. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. વહેલી સવારે મતદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં કતારમાં ઉભા રહ્યાં હતાં. ચૂંટણીનું રિઝલ્ટ 23 જૂને જાહેર થશે.

રાજ્ય સરકારે ગુરુવારે બંને મતવિસ્તારમાં મતદાન માટે જાહેર રજા જાહેર કરી હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ બે બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હોવાથી ત્રિકોણીય ચૂંટણીજંગ છે.

દરેક મતવિસ્તારમાં 294 મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા મતદાન થઈ રહ્યું છે.

તત્કાલીન AAP ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને શાસક ભાજપમાં જોડાયા પછી ડિસેમ્બર 2023થી વિસાવદર બેઠક ખાલી પડી હતી. ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના મોતને કારણે કડી બેઠક ખાલી પડી હતી.

વિસાવદર બેઠક પર ભારતના ઉમેદવાર કિરિટ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ પોતાનો મત આપ્યો હતો. આમ આદમી પાર્ટીએ વિસાવદર  બેઠક પર ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે.

ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ હોવા છતાં ભાજપ 2007થી વિસાવદર બેઠક જીતી શક્યું નથી. સત્તાધારી પક્ષ આ વખતે 18 વર્ષના પછી વિજય મેળવવા માગે છે. 2022માં આમ આદમી પાર્ટીના ભુપેન્દ્ર ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયાને 7,063 મતથી પરાજય આપ્યો હતો.

કડી બેઠક પર ભાજપે રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસે રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને મેદાનમાં ઊભા રાખ્યા છે. કડી બેઠક પર રમેશ ચાવડા 2012માં વિજયી બન્યાં હતાં અને 2017 ભાજપના કરસન ચોલંકી સામે હારી ગયાં હતાં.ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો 182 છે. તેમાં ભાજપની સભ્યસંખ્યા 161 અને કોંગ્રેસની સભ્યસંખ્યા 12 છે.

 

LEAVE A REPLY