7 જુલાઈ, 2025 ના રોજ, વોશિંગ્ટન, ડી.સી વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ યુએસ ટેરિફ અંગેના પત્રો દર્શાવી રહ્યાં છે. REUTERS/Evelyn Hockstein

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે 14 દેશોને રેસિપ્રોકલ ટેરિફની ધમકી આપતા પત્રો જારી કર્યા હતાં. જોકે ભારતને રેસિપ્રોકલ ટેરિફમાં પહેલી ઓગસ્ટ સુધીની રાહત આપી છે. તેનાથી ભારતના નિકાસકારોને મોટી રાહત મળશે. નવી દિલ્હી અને વોશિંગ્ટન વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે ટ્રમ્પ સરકારે આ રાહત આપી હતી.

અમેરિકા સાથે વેપાર કરાર પર વાટાઘાટો કરી રહેલા ભારતને સોમવારે ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ટેરિફ પત્રો પ્રાપ્ત કરનારા દેશોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું ન હતું. ટ્રમ્પ વહીવટીતંત્રે સોમવારે પ્રથમ તબક્કામાં વિવિધ દેશોને ટેરિફ પત્રો મોકલ્યા હતાં, જેમાં પહેલી ઓગસ્ટથી તેમની પ્રોડક્ટ્સ પર પહેલી પહેલી ઓગસ્ટથી અમલી થનારા ટેરિફની વિગતો છે.

બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, થાઇલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કંબોડિયા, કઝાકિસ્તાન, લાઓ, સર્બિયા અને ટ્યુનિશિયા સહિતના દેશોને યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર સાથેના ટેરિફ પત્રો મળ્યાં હતાં.

અમેરિકાના પ્રેસિડન્ટ અગાઉ 9 જુલાઈ સુધી વિશ્વભરના દેશો પરની ટેરિફને સ્થગિત કરી હતી. 2 એપ્રિલના રોજ, યુએસ પ્રેસિડન્ટે ભારત (26 ટકા) સહિત અનેક દેશો સામે પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી હતી, પરંતુ આ ટેરિફના અમલીકરણને 90 દિવસ માટે એટલે કે 9 જુલાઈ સુધી સ્થગિત કરી હતી, જેનાથી જેનાથી તમામ વેપાર ભાગીદારો દેશોને વોશિંગ્ટન સાથે વાટાઘાટો કરવા અને વેપાર સોદો કરવા માટે 9 જુલાઈ સુધીનો સમય મળી શકે છે.

આ નિર્ણય પર ટિપ્પણી કરતા ભારતના નિકાસકારોએ જણાવ્યું હતું કે 9 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી પારસ્પરિક ટેરિફ લાદવાનું મુલતવી રાખવું એ અમેરિકાની તેના વેપાર ભાગીદારો સાથે રચનાત્મક રીતે જોડાવાની ઇચ્છા દર્શાવે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે, “તે સંવાદ માટે વિસ્તૃત સમયગાળો પૂરો પાડે છે, જેનાથી વાટાઘાટકારોને બાકીના વિવાદાસ્પદ મુદ્દાઓને ઉકેલવામાં મદદ કરી શકે છે. ટ્રમ્પે આશરે એક ડઝન દેશો પર પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી છે, પરંતુ ભારતને રાહત આપી છે, તેનાથી ભારતને વધુ તુલનાત્મક લાભ મળી શકે છે.

ટ્રમ્પે પત્રો મોકલેલા દેશોની યાદી

લાઓસ- 40 ટકા ટેરિફ
મ્યાનમાર- 40 ટકા ટેરિફ
થાઇલેન્ડ- 36 ટકા ટેરિફ
કંબોડિયા- 36 ટકા ટેરિફ
બાંગ્લાદેશ- 35 ટકા ટેરિફ
સર્બિયા- 35 ટકા ટેરિફ
ઇન્ડોનેશિયા- 32 ટકા ટેરિફ
દક્ષિણ આફ્રિકા- 30 ટકા ટેરિફ
બોસ્નિયા અને હર્ઝેગોવિના- 30 ટકા ટેરિફ
મલેશિયા- 25 ટકા ટેરિફ
ટ્યુનિશિયા- 25 ટકા ટેરિફ
જાપાન- 25 ટકા ટેરિફ
દક્ષિણ કોરિયા- 25 ટકા ટેરિફ
કઝાકિસ્તાન- 25 ટકા ટેરિફ

LEAVE A REPLY