ભારતના દિગ્ગજ અને સૌરાષ્ટ્રના સુપરસ્ટાર ક્રિકેટર, ટોચના ક્રમના બેટર ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય વિકેટ ઉપર ટકીને મોટી ઈનિંગ્સ રમવા માટે જાણીતા ૩૭ વર્ષના પુજારાએ ૧૩ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૧૦૩ ટેસ્ટમાં ૪૩.૬૦ની સરેરાશથી કુલ ૭૧૯૫ રન કરવાની સાથે વિક્રમોની હારમાળા સર્જી હતી. તેણે ટેસ્ટમાં ૧૯ સદી અને ૩૫ અડધી સદી કરી હતી. જો કે, તે ફક્ત પાંચ વન-ડે ઈન્ટરનેશનલ્સ રમ્યો હતો, જ્યારે ટી-20માં તેને એકપણ મેચની તક મળી નહોતી.
પૂજારાએ ભારત માટે છેલ્લી ટેસ્ટ 2023માં ઓસ્ટ્રેલિયા સામે કેનિંગ્ટન ઓવલ ખાતે રમી હતી. ત્યારથી, ટીમ ઈન્ડિયાના વિવિધ ટીમો સામે પ્રમાણમાં ખરાબ પ્રદર્શન છતાં તેની અવગણના કરવામાં આવી હતી.
નિવૃત્તિની જાહેરાત કરતાં પૂજારાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે તમામ સારી બાબતોનો અંત આવતા હોય છે અને અપાર કૃતજ્ઞતા સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તે હંમેશા તેના સાથી ખેલાડીઓ, કોચ અને અન્ય લોકોનો ઋણી રહેશે જેમણે તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેને ટેકો આપ્યો હતો.
રાજકોટના નાના શહેરના એક નાના છોકરા તરીકે, મારા માતા-પિતા સાથે, હું સ્ટાર્સ મેળવવા માટે નીકળ્યો હતો અને ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનવાનું સ્વપ્ન જોયું હતું. ત્યારે મને ખબર નહોતી કે આ રમત મને આટલી બધી અમૂલ્ય તકો, અનુભવો, હેતુ, પ્રેમ અને સૌથી ઉપર મારા રાજ્ય અને આ મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાની તક આપશે.
રાજકોટના નાનકડાં શહેરમાંથી આવેલા ચેતેશ્વર પુજારાએ 20 વર્ષની વયે ક્રિકેટ કારકિર્દી શરૂ કરી હતી.
પુજારા 43.60ની એવરેજમાં 7195 રન સાથે ટેસ્ટ ક્રિકેટનો ભારતનો આઠમો ટોચનો ખેલાડી છે. કુલ 103 ટેસ્ટ મેચમાં 19 સદી ફટકારી હતી. તેની છેલ્લી મેચ ઓવલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ 2023માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હતી.
આ ઉપરાંત, પુજારા ઈંગ્લેન્ડમાં પણ તે ડર્બીશાયર, નોટિંગહામશાયર, સસેક્સ અને યોર્કશાયર તરફથી રમી ચૂક્યો છે. તો ભારતની લોકપ્રિય ફટાફટ ક્રિકેટ ફોર્મેટ – આઈપીએલમાં તે 2010 થી 2014 સુધી તે કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કિંગ્સ ઈલેવન પંજાબ વતી તથા એ પછી 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ખેલાડી રહ્યો હતો, પણ 2021માં તેને એકપણ મેચ રમવાની તક મળી નહોતી, જ્યારે અગાઉ તે 30 મેચમાં ફક્ત એક અડધી સદી કરી શક્યો હતો. આ રીતે, ફટાફટ ક્રિકેટમાં તે ખાસ કઈં કરી શક્યો નહોતો.
