રવિવારની પાકિસ્તાન સામેની સુપર ફોર મેચમાં ભારતના વિજયના હીરો અભિષેક શર્માએ તેની લાક્ષણિક સ્ટાઈલમાં વિસ્ફોટક ઈનિંગ રમી કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી ઝડપી 50 છગ્ગાનો રેકોર્ડ અભિષેકે કર્યો હતો. તેણે માત્ર 331 બોલમાં 50 છગ્ગા ફટકારી વેસ્ટ ઇન્ડિઝના ઈવિન લુઇસનો 366 બોલમાં 50 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો હતો. હવે આન્દ્રે રસેલ (વેસ્ટ ઇન્ડિઝ) ત્રીજા, હઝરતુલ્લાહ ઝાઝાઈ (અફઘાનિસ્તાન) ચોથા અને સૂર્યકુમાર યાદવ (ભારત) પાંચમા ક્રમે છે.
અભિષેક પાકિસ્તાન સામે ટી-20 ઈન્ટરનેશનલ્સમાં ભારત તરફથી સૌથી ઝડપી અડધી સદી કરનારો બેટર પણ બન્યો છે. આ મોરચે તેણે પોતાના માર્ગદર્શક યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો. યુવરાજે 2012માં અમદાવાદ ટી-20માં 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. ભારત – પાકિસ્તાન વચ્ચે ટી-20માં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ મોહમ્મદ હફીઝના નામે છે. હાફીઝે 2012માં અમદાવાદમાં 23 બોલમાં અડધી સદી ફટકારી હતી.
