ભારતીય ફિલ્મ ઉદ્યોગના અનેક કલાકારો હોલીવૂડમાં નસીબ અજમાવી ચૂક્યા છે. હવે આ યાદીમાં બોલીવૂડના નવોદિત અભિનેતા વિદ્યુત જામવાલનું નામ પણ જોડાયું છે. એક્શન હીરો વિદ્યુત હોલીવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઇટરમાં ધાલસિમની ભૂમિકા ભજવશે.
આ ફિલ્મનું ઓસ્ટ્રેલિયમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં વિદ્યુતે કહ્યું હતું કે, ‘ગેમિંગ આઇકોન ધાલસિમની ભૂમિકા ભજવવાની તક મળવી એ તેને હું નસીબ માનું છું. એવું લાગે છે, જાણે મેં આખી જિંદગી આ ભૂમિકા માટે જ મહેનત કરી છે. જાણે ઇશ્વરે બધી જ ગોઠવણ કરી છે. ક્રેક ફિલ્મ ફ્લોપ થયા પછી લોકોને મારા વિશે શંકા હતી, પરંતુ મેં સતત આ રોલ માટે કલ્પના કરી અને હવે લાગે છે, કંઈ પણ શક્ય છે. જ્યારે ક્રેક ન ચાલી તો, હું મારા ગુરુજી પાસે ગયો, બેંગ્લોરમાં ડૉ. નાગેન્દ્ર એસ વ્યાસ યુનિવર્સિટી (સ્વામી વિવેકાનંદ યોગ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ).
એમણે મારી સ્કિલ્સ પર સઘન તપાસ કરી. તેમણે મને વિદેશોમાં યોગના મોટા પ્રમાણમાં પ્રચાર પ્રસારની સલાહ આપી. તેનાં તરત પછી મેં સ્ટ્રીટ ફાઇટર માટે ઓડિશન આપ્યું, અને તે એક યોગગુરુ યોદ્ધા માટેનું જ નીકળ્યું. ભારતીય યોગને હોલીવૂડમાં લઇ જવા એ એક આશીર્વાદ સાબિત થયા.’
વિદ્યુતે ધાલસિમના પાત્રને ‘ભગવાન પરશુરામનો સીધો શિષ્ય’ ગણાવ્યો અને ભારપૂર્વક કહ્યું કે તેનું પાત્ર ભારતીય યોગ વિજ્ઞાનમાં મૂળ ધરાવે છે. ‘એ પૈસા કે પ્રસિદ્ધિ માટે નહીં પણ સેવા ને માનવતા માટે લડે છે.’ આ ફિલ્મનું દિગ્દર્શન જાપાનીઝ અમેરિકન ફિલ્મકાર કિતાઓ સાકુરાઈએ કર્યું છે અને સ્ટ્રીટ ફાઇટર વીડિયો ગેમ સિરીઝ પર આધારીત છે.
