ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે 28-29 સપ્ટેમ્બરે સાર્વત્રિક 2થી 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં સોમવારે સવારે સુધીના 24 કલાક દરમિયાન સૌથી વધુ 204 મીમી (8.03 ઇંચ) વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વ્યાપક વરસાદ પડ્યો હતો, જેમાં જૂનાગઢ, અમરેલી, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને નવસારી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.
કેટલાક સ્થળોએ કડાકા- ભડાકા સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. વડોદરાના વાઘોડિયા અને દાહોદના ધાનપુરમાં વીજળી પડવાથી બે મહિલાઓના મોત નીપજ્યાં હતાં.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ડેટા મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. કપરાડા (૧૨૪ મીમી), ઉમરગામમાં (૧૧૮ મીમી), ધરમપુર (૧૦૪ મીમી), પારડી (૮૪ મીમી), વલસાડ શહેર (૮૧ મીમી) અને વાપી (૮૧ મીમી) વરસાદ નોંધાયો હતો. કુલ મળીને, રાજ્યભરના ૪૭થી વધુ તાલુકાઓમાં ૨ ઇંચ (૫૦ મીમી) થી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે અન્ય કેટલાક તાલુકાઓમાં ૨૦ મીમીથી ૪૦ મીમી વચ્ચે મધ્યમ વરસાદ પડ્યો હતો.
વલસાડ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ હતું. વહીવટી તંત્રે જિલ્લામાં 66 જેટલા રસ્તાઓ બંધ કર્યા હતાં અને પાણી ભરાયેલા કોઝવે કે બ્રિજ પરથી પસાર ન થવાની અપીલ કરી હતી. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા આ તમામ બ્રિજોને પણ બંધ કરાયા હતા. જિલ્લામાં રસ્તા બંધ થઈ જતાં આશરે 25 હજાર લોકો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા હતાં. બે દિવસ કેટલાંક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મલિયાધરા, મજીગામ, તળાવચોરા, તેજલાવ સહિતનાં 23 ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસાએ બે અઠવાડિયા પહેલા રાજ્યમાં પીછેહટની શરૂઆત કરી હતી. પરંતુ આ પીછેહટમાં વિલંબ થયો છે અને આગામી આગામી 7 દિવસમાં વિદાય લેવા માટે કોઈ અનુકૂળ સ્થિતિ નથી
રાજ્યમાં સિઝનનો 115.10% વરસાદ
ગુજરાતમાં સોમવાર, 29 સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો આશરે 115.10 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યના પાંચ મુખ્ય પ્રદેશોમાં કચ્છમાં સૌથી વધુ 140% વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત 121.72% અને ઉત્તર ગુજરાતમાં 120.19%, જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 115.57% અને સૌરાષ્ટ્રમાં 101.96% ટકા વરસાદ નોંધાયો હતો.
