
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશમાં નિર્મિત અને અમેરિકામાં લાવવામાં આવતી તમામ ફિલ્મો પર 100% ટેરિફ લાદવાની સોમવારે જાહેરાત કરી હતી. ટ્રમ્પે અગાઉ મે મહિનામાં પણ આવી ધમકી આપી હતી. આનાથી હોલીવુડનું વૈશ્વિક બિઝનેસ મોડેલ ખોરવાઈ જવાની પૂરી સંભાવના છે. ટ્રમ્પે અમેરિકામાં ફર્નિચર ન બનાવતા દેશ પર પણ જંગી ટેરિફ લાદવાની યોજના જાહેર કરી હતી.
વિદેશમાં નિર્મિત ફિલ્મો પર ટેરિફ લાદવાની જાહેરાતથી ક્રોસ બોર્ડર કો-પ્રોડક્શન અને આંતરરાષ્ટ્રીય બોક્સ-ઓફિસ કલેક્શન પર મોટો આધાર રાખતા હોલિવૂડ સ્ટુડિયો માટે અનિશ્ચિતતા ઊભી થઈ છે.
ટ્રુથ સોશિયલમાં એક પોસ્ટમાં પ્રેસિડન્ટ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાનો ફિલ્મ બનાવવાનો બિઝનેસને બીજા દેશો બાળકોની કેન્ડીની જેમ ચોરી ગયા છે. આનાથી નબળા અને બિનકાર્યક્ષમ ગવર્નર ધરાવતા કેલિફોર્નિયાને સૌથી મોટો ફટકો પડ્યો છે. તેથી આ લાંબા સમયની અને ક્યારેય સમાપ્ત ન થતી સમસ્યાને ઉકેલવા માટે હું અમેરિકાની બહાર બનેલી તમામ ફિલ્મો પર 100% ટેરિફ લાદીશ.
વિદેશી બનેલી ફિલ્મો પર 100% ટેરિફ લાદવા માટે ટ્રમ્પ કયા કાનૂન હેઠળની સત્તાનો ઉપયોગ કરશે તે તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું. હોલીવુડ કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા વિદેશી પ્રોડક્શન હબ પર વધુને વધુ આધાર રાખી રહ્યું છે, જ્યાં કર પ્રોત્સાહનોને કારણે બિગ બજેટ ફિલ્મો અને સ્ટ્રીમિંગ સિરિઝનુ મોટાપાયે શૂટિંગ થાય છે. આની સાથે ખાસ કરીને એશિયા અને યુરોપમાં વિદેશી સ્ટુડિયો સાથે સહ-નિર્માણ વધુ સામાન્ય બન્યું છે.
થોડા સમય પછી કરેલી એક બીજી એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીન અને અન્ય દેશો સામે નોર્થ કેરોલિનાએ ફર્નિચરનો બિઝનેસ સંપૂર્ણપણે ગુમાવી દીધો છે. આ રાજ્યને ફરીથી ગ્રેટ બનાવવામાં માટે હું કોઈપણ દેશ પર જગી ટેરિફ લાદીશ, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં તેનું ફર્નિચર બનાવતો નથી.
