ગુજરાતી નાટકો અને અર્બન ગુજરાતી ફિલ્મોના અભિનેતા-દિગ્દર્શક સિદ્ધાર્થ રાંદેરિયાની નવી ફિલ્મ ‘બચુની બેનપણી’ તાજેતરમાં રીલીઝ થઇ હતી. આ ફિલ્મની શરૂઆત સિદ્ધાર્થ રાંદેરિયાથી થાય છે. બચુ બાપોધરા (સિદ્ધાર્થ રાંદેરિયા)ને સતત કોઇક ને કોઇક બીમારીથી મૃત્યુ પામવાનો ડર છે અને તે સાથે સાથે ખૂબ કંજૂસ પણ છે. તેને મફતની કોઈ વસ્તુ છોડવી નથી અને કોઈ કાળે પૈસા નહીં ખર્ચવામાં માને છે.
બચુ બાપોધરાનો બે પુત્ર છે એમાંથી મોટો પુત્ર પરિણીત છે, તેની પત્ની ગર્ભવતી છે. નાનો પુત્ર પંજાબી છોકરીને પ્રેમ કરે છે અને લગ્ન કરવા ઇચ્છે છે પણ બચુભાઇ તેને સ્વીકારવા તૈયાર નથી. બચુલાલને એક બહેન છે ચંદ્રિકા, જે કુંવારી હોવા છતાં બચુલાલના કંજૂસ સ્વભાવને કારણે અલગથી ભાડાંના ઘરમાં રહે છે.
બચુલાલના પાત્રને વ્યક્ત કરવા માટે ફિલ્મમાં જે ઉદાહરણો દર્શાવવામાં આવ્યા છે તેનાથી દર્શકોને ફિલ્મ મનોરંજક-હાસ્યસભર લાગે છે. બેંગકોક વિશે ગુજરાતીઓની જે માનસિકતા છે તેને કારણે ત્યાં પુત્રને પણ જવા ન દેનારા બચુલાલ પોતે ત્યાં જવા ઇચ્છે છે, તેઓ પરિવારમાં ચારધામ જવાનું બહાનું કાઢે છે અને દરેક તૈયારીઓ સાથે એરપોર્ટ પર પહોંચે છે.
હવે અહીં તેમનો ભેટો સુમન ગૌરી નાગર (રત્ના પાઠક શાહ ) સાથે થાય છે. જે વ્યક્તિ પોતાની સગી બહેન માટે પણ પૈસા નથી ખર્ચ કરતી તે કઈ રીતે કોઈ અજાણી વ્યક્તિના હોસ્પિટલનો ખર્ચ આપવા માટે પણ તૈયાર થઈ જાય છે.
બેંગકોકમાં સુમનગૌરી બચુલાલમાં રહેલો ડર, અનેક સાહસિક પ્રવૃત્તિઓ દ્વારા દૂર કરાવે છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મના અન્ય કલાકારોમાં દેવર્ષિ શાહ, યુક્તિ રાંદેરિયા, પ્રિન્સી લિંબડિયા, જાનવી ચૌહાણ અને ગોપી દેસાઈનો સમાવેશ થાય છે. ફિલ્મના લેખક, દિગ્દર્શક: વિપુલ મહેતા છે. ફિલ્મનું નિર્માણ રશ્મિન મજેઠિયા દ્વારા કરવામાં આવ્યું છે, સંગીત સિદ્ધાર્થ અમિત ભાવસારનું છે અને ગીતકાર ભાર્ગવ પુરોહિત છે.
