અમેરિકાએ ભારત પર ટેરિફ બોંબ ઝિંક્યા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક પછી એક પ્રધાનો અને સાથીઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. ટ્રમ્પના કોમર્સ સેક્રેટરી (વેપાર પ્રધાન) હોવર્ડ લુટનિકે ગત સપ્તાહે એવું કહ્યું હતું કે અમેરિકાએ ભારત અને બ્રાઝિલ જેવા દેશોને સીધા કરવાની જરૂર છે.
લુટનિકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ભારતે અમેરિકા સાથે યોગ્ય રીતે વર્તવું પડશે. અમેરિકાના હિતોને નુકસાન કરી શકે તેવી નીતિઓ ભારતે અપનાવવી જોઈએ નહીં. અમારે અનેક દેશોને સીધા કરવા પડશે. અમારે અમેરિકાના હિતોને નુકસાન કરતી નીતિઓને પણ ખતમ કરવી પડશે.’
લુટનિકે કહ્યું કે, ‘ભારતે પોતાના બજારો અમેરિકા માટે ખોલવાની અને અમેરિકાને નુકસાન કરે તેવા કામો બંધ કરવાની જરૂર છે. સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રાઝિલ જેવા અન્ય ઘણા દેશોને સુધારવાની જરૂર છે, અને તેમાં ભારત પણ સામેલ છે. આ દેશોએ અમેરિકા પ્રત્યે યોગ્ય પગલા ભરવા જોઈએ. આ જ કારણે અમારા દેશની તે દેશો સાથે સંમત નથી.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ટ્રેડ સંબંધીત મુદ્દાઓનો સમયસર નિવેડો આવી જશે, પરંતુ ભારત પોતાના ઉત્પાદનો અમેરિકન ગ્રાહકો સુધી પહોંચાડવા માંગતું હોય તો તેણે અમેરિકા સાથે સહયોગ કરવો પડશે. આ દેશો સમજી જાય કે, તેમણે અમેરિકન ગ્રાહકોને પોતાના ઉત્પાદનો વેંચવા હોય તો તેમણે અમેરિકાના પ્રમુખને સહયોગ આપવો પડશે. આ જ કારણે હજુ કેટલાક મુદ્દાઓ બાકી છે અને અમે ભારત જેવા મોટા દેશો સાથે મુદ્દાઓનો નિવેડો લવાશે.’
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ પ્રતિનિધિમંડળ સાથે હજી ગયા સપ્તાહે જ અમેરિકાની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે, ‘ભારતની અમેરિકન અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સફળ બેઠક થઈ છે. બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ મજબૂત કરવા માટે રચનાત્મક વાતીચત થઈ છે.’ એ સંજોગોમાં હવે લુટનિકના નિવેદનથી બંને દેશો વચ્ચે વેપારનો મુદ્દો ફરી જટિલ બનતો હોવાનું દેખાઈ રહ્યું છે. હજી ગયા સપ્તાહે જ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી ફાર્માસ્યુટીકલ પ્રોડક્ટ્સ (દવાઓ) ઉપર પણ 100 ટકાની ટેરિફ્સની પણ જાહેરાત કરી હતી, જે બુધવાર (1 ઓક્ટોબર) થી અમલમાં આવશે. આમાં જો કે, કેટલાક અટપટા મુદ્દા છે, જેની સ્પષ્ટ અસર ભારતને કેટલી થશે તે સ્થિતિ હજી સ્પષ્ટ નથી થઈ.
તે ઉપરાંત, સોમવારે જ (29 સપ્ટેમ્બર) ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશમાં નિર્મિત અને અમેરિકામાં લાવવામાં આવતી તમામ ફિલ્મો પર 100% ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે અગાઉ મે મહિનામાં પણ આવી ધમકી આપી હતી. આનાથી હોલીવુડનું વૈશ્વિક બિઝનેસ મોડેલ ખોરવાઈ જવાની પૂરી સંભાવના છે. ટ્રમ્પે અમેરિકામાં ફર્નિચર નહીં બનાવતા દેશ પર પણ જંગી ટેરિફ લાદવાની યોજના જાહેર કરી હતી.
વિદેશમાં નિર્મિત ફિલ્મો પર ટેરિફની જાહેરાતથી ક્રોસ બોર્ડર કો-પ્રોડક્શન અને આંતરરાષ્ટ્રીય બોક્સ-ઓફિસ કલેક્શન પર મોટો આધાર રાખતા હોલિવૂડ સ્ટુડિયો માટે અનિશ્ચિતતા ઊભી થઈ છે
