
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં દિવાળીની પૂર્વસંઘ્યા રવિવારે (19 ઓક્ટોબર) નવમાં દીપોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું.જેમાં 26 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. દિપોત્સવના પ્રસંગે રામનગરી અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું.
અગાઉ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતાં. તેમણે રામકથા પાર્ક હેલિપેડ પર પુષ્પક વિમાન જેવા હેલિકોપ્ટરમાંથી રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીના સ્વરૂપોનું સ્વાગત કર્યું હતું. રામ અને જાનકીની પ્રાર્થના સાથે ભારત મિલાપ સમારોહ યોજાયો હતો. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામકથા પાર્કના મંચ પર શ્રી રામનો રાજ્યાભિષેક કર્યો હતો.
રામની પૌડી પરના 56 ઘાટો પર 30,000 સ્વયંસેવકોએ આશરે 26 લાખ દીવા સજાવ્યાં હતાં. ગિનીસ બુકની ટીમે ડ્રોનની મદદથી આ દીવાની ગણતરી પૂરી કરી હતી. આ આયોજનમાં 26 લાખ 11 હજાર 101 દીવા પ્રગટાવીને અગાઉનો રેકોર્ડ તોડવામાં આવ્યો હતો.
સરયૂ નદીના ઘાટ પર 2100 વેદાચાર્યો મહાઆરતી કરી હતી. આકાશમાં 1100 ડ્રોન દ્વારા રામાયણના વિવિધ પ્રસંગોની મનમોહક ઝલક પ્રસ્તુત કરતાં વાતાવરણ દિવ્ય બન્યું હતું. જય શ્રી રામ, ધનુષધારી રામ, સંજીવની પર્વત ઉઠાવતા હનુમાનજી, રામસેતુ અને રામમંદિર જેવી આકૃતિઓનું આલેખન કરાયું હતું.
ભવ્ય દીપોત્સવના મુખ્ય કાર્યક્રમ પહેલાં જ વર્લ્ડ રેકોર્ડ બનવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. શનિવારે મોડી સાંજે સરયૂ નદીના તટ પર આયોજિત સરયૂ આરતીમાં 21,000થી વધુ લોકોએ એકસાથે ભાગ લઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારી નિશ્ચલ બારોટે જણાવ્યું હતું કે આ આયોજનમાં સહભાગીઓની ગણતરી ક્યૂઆર કોડ સ્કેનિંગ દ્વારા કરાઈ હતી, જેમાં 21000થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જે અગાઉના 1774 લોકોના રેકોર્ડને તોડે છે. રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ પ્રધાન જયવીર સિંહે જણાવ્યું હતું કે 2017માં પહેલીવાર 1 લાખ 71 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દીપોત્સવમાં 26 લાખથી વધુ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે, જે આસ્થા અને પ્રભુ શ્રી રામ પ્રત્યેના સન્માનનું પ્રતીક છે.
