હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાના અવસાન પછી તેમના ઉત્તરાધિકારી કોણ બનશે? તે સૌથી મોટો સવાલ છે. તેઓ ઘણા સંભવિત ઉત્તરાધિકારીઓને પાછળ છોડી ગયા છે. ગ્રુપમાં ઉત્તરાધિકાર સુનિશ્ચિત યોજના છે, પરંતુ ઘણા દાવેદારો હોવાથી ટોચ પર સત્તા સંઘર્ષને નકારી શકાય નહીં. ગોપીચંદ હિન્દુજાના ઉત્તરાધિકારી માટે કોઇ એક વ્યક્તિનું સ્પષ્ટ નામ ઉભર્યું નથી.
હાલના માળખા હેઠળ ગોપીચંદ પછી હિન્દુજા ગ્રુપ (યુરોપ)ના ચેરમેન પ્રકાશ હિન્દુજા અને હિન્દુજા ગ્રુપ ઓફ કંપનીઝ (ભારત)ના ચેરમેન અશોક હિન્દુજાનું નામ છે. તેઓ વારસાને આગળ વધારવા માટે સૌથી સ્વાભાવિક ઉત્તરાધિકારી છે. ઉત્તરાધિકારની લાઇનમાં ત્રીજી પેઢીના લોકો પણ છે.
તેમાં ગોપીચંદ હિન્દુજાના પુત્ર ધીરજ હિન્દુજા છે, જે અશોક લેલેન્ડના ચેરમેન છે. તેમનો બીજો પુત્ર સંજય હિન્દુજા ગલ્ફ ઓઈલના અધ્યક્ષ છે. પ્રકાશ હિન્દુજાના પુત્ર શોમ હિન્દુજા હિન્દુજા રિન્યુએબલ્સના ચેરમેન છે. શ્રીચંદ હિન્દુજાની પુત્રીઓ વિનુ હિન્દુજા અને શાનુ હિન્દુજા પણ છે.
હિન્દુજા ગ્રુપે ઐતિહાસિક રીતે ‘ચાર શરીર, એક આત્મા’ ફિલસૂફીની નીતિ પર ભાર મૂક્યો છે અને ભાઇઓએ ગ્રુપનું સામૂહિક રીતે નેતૃત્વ કર્યું હતું. હિન્દુજા પરિવારના ચારેય ભાઈઓએ 2014માં સામૂહિક માલિકીની ફિલસૂફીને વિધિવત બનાવતા એક પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે પત્રમાં કહ્યું હતું કે, “બધું જ દરેકનું છે, અને કંઈ પણ કોઈ એકનું નથી.” પરિવારની સહિયારી નિયંત્રણની લાંબા સમયથી ચાલતી પરંપરાને ફરીથી સ્થાપિત કરવા માટે આ પત્ર પર હસ્તાક્ષર કરાયા હતાં.
જોકે પરિવાર વચ્ચે વિશાળ સંપત્તિને લઈને ઝઘડો થયો હતો. 2023માં મોટા ભાઈ શ્રીચંદના મૃત્યુ પછી, એવું બહાર આવ્યું હતું કે ગોપીચંદ અને તેમના બે નાના ભાઈઓ – પ્રકાશ (79) અને અશોક (74) છેલ્લા ત્રણ વર્ષથી તેમની પુત્રી વિનુ સાથે 2014માં ચાર ભાઈ-બહેનો દ્વારા હસ્તાક્ષર કરાયેલા પત્ર પર વિવાદ થયો હતો. પરિવારે કડવા સત્તા સંઘર્ષ પર વિરામ આવ્યો હતો, અહેવાલો સૂચવે છે કે તેઓ હજુ પણ સંબંધિત મુદ્દાઓ પર ખાનગી રીતે વાટાઘાટો કરી રહ્યા છે.














