સાઉથ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સીરિઝ માટે બુધવાર, 5 નવેમ્બરે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરાઈ હતી. આ બે મેચની ટેસ્ટ સીરિઝ 14 નવેમ્બરથી શરૂ થશે. ટીમમાં મોહમ્મદ શમીને ફરી એકવાર બહાર રાખવામાં આવ્યો છે. ઘરઆંગણે સીરિઝમાં શમીના પ્રદર્શન અને ટીમ પસંદગીને લઈને તાજેતરમાં થયેલા શાબ્દિક ઝઘડાને પગલે શમીનો સમાવેશ થાય તેવી અપેક્ષા હતી. જોકે, તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
એન્ડરસન-તેંડુલકર ટ્રોફી દરમિયાન થયેલા પગમાં ફ્રેક્ચરને કારણે વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી ગુમાવ્યા બાદ વિકેટકીપર-બેટર ઋષભ પંતની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. ગયા અઠવાડિયે બેંગલુરુમાં દક્ષિણ આફ્રિકા A સામેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ દરમિયાન ભારત A ટીમનું નેતૃત્વ કરીને પંતે મેદાનમાં વાપસી કરી હતી. તેને બીજી ઇનિંગમાં 113 બોલમાં 90 રન બનાવીને ટીમને ત્રણ વિકેટથી જીત અપાવી હતી.
ઈજાના કારણે કેરેબિયન્સ સામેની બે ટેસ્ટ મેચ ગુમાવ્યા બાદ ઝડપી બોલર આકાશ દીપ પણ ટીમમાં પાછો ફર્યો છે. દરમિયાન, બંગાળ માટે રણજી ટ્રોફીના પહેલા બે રાઉન્ડ દરમિયાન પ્રભાવિત કરનાર મોહમ્મદ શમીને હજુ પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
પહેલી ટેસ્ટ મેચ ૧૪ થી ૧૮ નવેમ્બર દરમિયાન કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે અને બીજી ટેસ્ટ મેચ ૨૨ થી ૨૬ નવેમ્બર દરમિયાન ગુવાહાટીમાં રમાશે.
ભારતની ટેસ્ટ ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને આકાશ દીપ.














