બ્રિટશના અર્થતંત્રમાં ત્રીજા ક્વાર્ટરમાં માત્ર 0.1 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. સપ્ટેમ્બરમાં જગુઆર લેન્ડ રોવર પર સાયબર હુમલાને કારણે આર્થિક વૃદ્ધિને ફટકો પડ્યો હતો. નાણાપ્રધાન રશેલ રીવ્સ તેમનું બજેટ તૈયાર કરી રહ્યા છે, ત્યારે ધીમી આર્થિક વૃદ્ધિ સરકાર માટે ચિંતાનો વિષય છે.
13 નવેમ્બરે ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે જણાવ્યું હતું કે 2025ના ત્રીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં 0.1% ટકા વૃદ્ધિ નોંધાઈ હતી, જે બીજા ક્વાર્ટરમાં 0.3% હતી. અર્થશાસ્ત્રીઓ અને બેંક ઓફ ઈંગ્લેન્ડને જુલાઈ-સપ્ટેમ્બર સમયગાળા માટે જીડીપીમાં 0.2 ટકા વૃદ્ધિનો અંદાજ હતો. હકીકતમાં સપ્ટેમ્બર મહિનામાં જીડીપીમાં 0.1%નો ઘટાડો થયો હતો.
ધીમી આર્થિક વૃદ્ધિને કારણે આગામી મહિને બેંક ઓફ ઈંગ્લેન્ડ વ્યાજ દરોમાં ઘટાડો કરશે તેવી શક્યતામાં વધારો થયો છે.
રીવ્સના 26 નવેમ્બરે બજેટ રજૂ કરવાના છે અને ધીમી વૃદ્ધિ બજેટને પ્રભાવિત કરી શકે છે. સરકાર અર્થતંત્રને “કિકસ્ટાર્ટ” કરવાનો ઇરાદો ધરાવે છે, પરંતુ અર્થતંત્ર હજુ પણ ધીમી ગતિએ વધી રહ્યું છે.
ICAEW ટ્રેડ બોડીના ઇકોનોમિક ડાયરેક્ટર સુરેન થિરુએ જણાવ્યું હતું કે યુકેનો સતત ધીમો વિકાસ દર ચાન્સેલર (નાણામંત્રી) માટે માથાનો દુખાવો છે, કારણ કે તેનાથી બજેટમાં મોટી રાજકોષિય ખાધ ઊભી થશે, જેના કારણે ટેક્સમાં મોટો વધારો અનિવાર્ય બનશે.
ભારતની ટાટા મોટર્સની માલિકીની JLR બ્રિટનમાં ત્રણ ફેક્ટરીઓ ધરાવે છે, જે કુલ મળીને દરરોજ લગભગ 1,000 કારનું ઉત્પાદન કરે છે. ગયા મહિને પ્રકાશિત થયેલા એક અહેવાલમાં એક સ્વતંત્ર સાયબર સુરક્ષા સંસ્થાએ જણાવ્યું હતું કે આ હેકિંગથી બ્રિટિશ અર્થતંત્રને અંદાજે 1.9 બિલિયન પાઉન્ડ ($2.55 બિલિયન)નું નુકસાન થયું છે અને 5,000થી વધુ સંસ્થાઓને અસર થઈ છે.સપ્ટેમ્બરમાં કોમર્સિયલ વ્હિકલના ઉત્પાદનમાં ઘટાડાએ આ ક્ષેત્રની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો.












