ભારતની ટોચની એથનિક ફૂડ સર્વિસ કંપની હલ્દીરામ ગ્રુપ પશ્ચિમી શૈલીના ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ (QSR)માં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે. હલ્દીરામ ભારતમાં સેન્ડવિચ ચેઇન જીમી જોન્સ લોન્ચ કરવા માટે એક વિશિષ્ટ ફ્રેન્ચાઇઝી ડીલ માટે યુએસ સ્થિત ઇન્સ્પાયર બ્રાન્ડ્સ સાથે વાટાઘાટો કરી રહી હોવાનું મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
જીમી જોન્સની માલિકી ધરાવતી ઇન્સ્પાયર બ્રાન્ડ્સ વૈશ્વિક સ્તરે ડંકિન અને બાસ્કિન-રોબિન્સનું સંચાલન પણ કરે છે. ભારતમાં ડંકિન જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડ દ્વારા કાર્યરત છે, જ્યારે બાસ્કિન-રોબિન્સનું સંચાલન ગ્રેવિસ ગ્રુપ દ્વારા વિશિષ્ટ ફ્રેન્ચાઇઝ કરાર હેઠળ કરવામાં આવે છે.
સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે હલ્દીરામના સ્થાપક અગ્રવાલ પરિવાર સબવે અને ટિમ હોર્ટન્સ જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરવા માંગે છે, તેમજ પશ્ચિમી કાફે-શૈલીના ફોર્મેટ ચાલુ કરીને યુવા વર્ગને આકર્ષવા માગે છે.
જો ડીલ થશે નવી QSR ચેઇન હલ્દીરામના FMCG બિઝનેસથી અલગ હશે. હલ્દીરામના રેસ્ટોરન્ટ બિઝનેસનું મૂલ્ય લગભગ રૂ. 2,000 કરોડ છે અને તે સમગ્ર ભારતમાં 150થી વધુ આઉટલેટ્સ ચલાવે છે.
૧૯૮૩માં સ્થપાયેલ જીમી જોન્સ યુએસ, કેનેડા, દક્ષિણ કોરિયા અને યુએઈમાં ૨,૬૦૦થી વધુ આઉટલેટ્સ ધરાવે છે. કંપનીની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર યુએસમાં તે સૌથી મોટી ડિલિવરી સેન્ડવિચ બ્રાન્ડ છે, જેનું કુલ સિસ્ટમ વેચામાં $૨.૬ બિલિયન છે.












