(@JKNC_X/ANI Photo)

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારની રાત્રે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતાં અને 32 ઘાયલ થયાં હતાં. ‘વ્હાઇટ-કોલર’ આતંકવાદી મોડ્યુલના તપાસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોમાંથી નિષ્ણાતોની ટીમ નમૂના લઈ રહી હતી ત્યારે અકસ્માતે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ કોઇ આતંકવાદી હુમલો ન હતો.

જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક નલિન પ્રભાત અને ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ અનુક્રમે શ્રીનગર અને નવી દિલ્હીમાં આપેલા એકસમાન નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ આતંકવાદી હુમલો ન હતો, પરંતુ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત હતો. જોકે આ બંને અધિકારીઓએ પત્રકારોના કોઈ પ્રશ્નોના જવાબ આપ્યા ન હતાં.

આ દુર્ભાગ્યપૂર્ણ વિસ્ફોટમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમના ત્રણ કર્મચારીઓ, બે ક્રાઇમ ફોટોગ્રાફરો, બે મહેસૂલ અધિકારીઓ (મેજિસ્ટ્રેટ ટીમનો ભાગ), રાજ્ય તપાસ એજન્સીનો એક અધિકારી અને ટીમ સાથે સંકળાયેલા એક દરજીનું મોત થયું હતું. આ ઘટનામાં 27 પોલીસ કર્મચારીઓ, બે મહેસૂલ અધિકારીઓ અને નજીકના વિસ્તારોના ત્રણ નાગરિકો ઘાયલ થયાં હતાં.

વિસ્ફોટ એટલો એટલો પચંડ હતો કે પોલીસ સ્ટેશનની ઇમારતને ભારે નુકસાન થયું હતું અને નજીકના મકાનોને પણ અસર થઈ હતી. આ પછી નાના-મોટા વિસ્ફોટોને કારણે શરૂઆતમાં બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો.
ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોનો આ મોટો જથ્થો હરિયાણાના ફરીદાબાદથી ટાટા 407 પિકઅપ ટ્રકમાં અહીં લાવવામાં આવ્યો હતો. આ વિસ્ફોટકોને કાશ્મીરમાં શા માટે લાવામાં આવ્યાં હતાં તેવા સવાલના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે મૂળ કેસ નૌગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો અને વિસ્ફોટકો તે પોલીસ સ્ટેશનની કેસ પ્રોપર્ટી છે. તેથી વિસ્ફોટકો અહીં લાવવા જરૂરી હતાં.

આ વિસ્ફોટની તપાસની આદેશ જારી કરતાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે એમોનિયમ નાઈટ્રેટ, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર સહિતની વિસ્ફોટક સામગ્રી, કેમિકલ્સ અને રિએજન્ટના આશરે 360 કિગ્રા જથ્થામાં સેમ્પલ લેવામાં આવી રહ્યાં હતાં.

LEAVE A REPLY