અમેરિકાની ટંકશાળે બુધવાર, 13 નવેમ્બરથી સત્તાવાર રીતે પેની તરીકે ઓળખતા એક સેન્ટના સિક્કો)નું ઉત્પાદન બંધ કર્યું હતું. 232 વર્ષ સુધી ચલણમાં રહ્યા બાદ અમેરિકન પેની હવે ભૂતકાળ બની ગયું છે. દેશના સૌથી નાના મૂલ્યના સિક્કાને બંધ કરવાનો આ નિર્ણય લેવાનું મુખ્ય કારણ એ છે કે તેનો ઉત્પાદન ખર્ચ તેના મૂલ્ય કરતાં વધી ગયો હતો.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશને પગલે આ નિર્ણય લેવાયો હતો. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે, “અમેરિકા લાંબા સમયથી એવા પૈસા બનાવી રહ્યું છે જેની કિંમત આપણને ખરેખર 2 સેન્ટ કરતાં પણ વધુ પડે છે. આ ખૂબ જ નકામું છે. મેં મારા અમેરિકન નાણા પ્રધાનને નવા પૈસા બનાવવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે.”
અગાઉ 1857માં અડધા સેન્ટનો સિક્કો બંધ કરાયો હતો. 1787માં બનેલો ‘ફ્યુગિયો સેન્ટ’, જેને ‘ફ્રેન્કલિન સેન્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અમેરિકાનો પ્રથમ સત્તાવાર પ્રચલિત સિક્કો હતો. આ સિક્કા તાંબામાંથી બનેલા હતા, 1909માં પ્રમુખ અબ્રાહમ લિંકનના 100મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે તેમની છબી પ્રથમ વખત અમેરિકન સિક્કા પર અંકિત કરાઈ હતી. તેનાથી આ સિક્કાના ઐતિહાસિક મૂલ્યમાં વધારો થયો હતો.












