મેક્સિકોના દક્ષિણ-પૂર્વીય ઓક્સાકા ક્ષેત્રમાં સોમવારે એક ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયાં હતાં અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતાં. મેક્સિકોના અખાત અને પેસિફિક મહાસાગર વચ્ચેની આ ટ્રેનમાં 241 મુસાફરો અને નવ ક્રૂ સભ્યો સવાર હતાં.
મેક્સિકન નૌકાદળે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 98 મુસાફરો ઘાયલ થયા હતાં અને તેમાંથી 36ની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. દુર્ઘટના સમયે ટ્રેનમાં 9 ક્રૂ મેમ્બર અને 241 મુસાફરો સવાર હતા. કુલ 250 લોકોમાંથી 139 લોકો સુરક્ષિત હતાં. ઈજાગ્રસ્તોમાંથી 5ની હાલત અત્યંત ગંભીર હતી.
આ ઇન્ટરઓશનિક ટ્રેન નિજાંદા શહેર પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી.પ્રેસિડન્ટ ક્લાઉડિયા શીનબામે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે જેથી પીડિત પરિવારોને શક્ય તમામ મદદ કરી શકાય.એટર્ની જનરલ અર્નેસ્ટિના ગોડોય રામોસે જણાવ્યું હતું કે અકસ્માતના કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલુ કરાઈ છે.
આ અકસ્માતથી મેક્સિકોના મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા હતાં. દુર્ઘનાગ્રસ્ત ટ્રેન મેક્સિકોના સૌથી મોટા અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એકનો ભાગ છે. આ કોરિડોરને પનામા નહેરના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે, જે મેક્સિકોના પ્રશાંત મહાસાગર અને ખાડીના કિનારાને જોડે છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વર્ષ 2023માં પૂર્વ પ્રેસિડન્ટ લોપેઝ ઓબ્રેડોરના કાર્યકાળમાં થયું હતું, જેનો મુખ્ય હેતુ દક્ષિણ મેક્સિકોમાં આર્થિક વિકાસ અને વેપારના માળખાને આધુનિક બનાવવાનો હતો.












