આ મહિનાના અંતે શરૂ થનારી યુએસ ઓપન ટેનિસ સ્પર્ધામાં રફેલા નાડાલ સહિતના કેટલાક ટોચના ખેલાડીઓએ ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. એમાં ભૂતપૂર્વ ચેમ્પિયન સ્વિસ સ્ટાર સ્ટાન વાવરિન્કા, રશિયાની યુવા મહિલા ખેલાડી એલિના સ્વિટોલિનાનો પણ સમાવેશ થાય છે.
નેધરલેન્ડની કિકિ બેર્ટેન્સે પણ ન્યૂયોર્કમાં કોરોનાવાઈરસના રોગચાળાની સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવી આ નિર્ણય જાહેર કર્યો છે. અગાઉ ઓસ્ટ્રેલિયાના ટોચના ખેલાડીઓ નિક કિર્ગિઓસ તેમજ એશ્લી બાર્ટી પણ સ્પર્ધામાંથી બહાર થઈ ચૂક્યા છે. રોજર ફેડરરે આ વર્ષે ઘુંટણની સર્જરી કરાવી હોવાથી તે કોઈ ટુર્નામેન્ટમાં રમવાનો નથી.
ટોચના સ્ટાર્સની ગેરહાજરીથી યુએસ ઓપનની ચમક ઘટશે. જોકે વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. આ ઉપરાંત ઓસ્ટ્રિયાનો થિયમ, જર્મનીનો એલેક્ઝાન્ડર ઝ્વેરેવ, ગ્રીસનો સિત્સિપાસ, રશિયાનો મેડ્વેડેવ જેવા ખેલાડીઓ યુએસ ઓપનમાં રમશે તેવી ધારણા છે.
વાવરિન્કા ૨૦૧૬માં યુએસ ઓપન ચેમ્પિયન બની ચૂક્યો છે. તેણે ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયન ઓપન તેમજ ૨૦૧૫માં ફ્રેન્ચ ઓપન ટાઈટલ પણ મેળવી લીધું છે. તો મળતા અહેવાલો મુજબ સેરેના વિલિયમ્સ આ સ્પર્ધામાં ભાગ લે તેવી શક્યતા છે.વિવિધ દેશોના ક્વોરેન્ટાઈનના નિયમોના કારણે પણ કેટલાક ખેલાડીઓ યુએસ ઓપનમાં રમવા તૈયાર નહીં હોવાના અહેવાલો છે.