Prime Minister Boris Johnson (Photo by Toby Melville-WPA Pool/Getty Images)

યુકેથી રવાન્ડાની પ્રથમ ફ્લાઇટમાં રવાના કરાનાર એક સાયલમ સીકર પોતાને દેશમાંથી દૂર કરવામાં ન આવે તેવી માંગણી કરતી બિડમાં નિષ્ફળ ગયો હતો. તા. 14ને મંગળવારની સાંજની ફ્લાઇટમાં સાત જેટલા લોકોને દેશ નિકાલ કરાશે એમ લાગી રહ્યું છે. આ લખાય છે ત્યારે મંગળવારે બપોરે કોર્ટ ઓછામાં ઓછી ત્રણ વધુ અપીલો હજુ પણ સાંભળી રહી છે.

આ અગાઉ જજ જોનાથન સ્વિફ્ટે શુક્રવારે ઇરાકી અને સીરિયન સાયલમ સિકર્સને દૂર કરવા પર રોક લગાવવાનો ઇનકાર કરી મંગળવારે રવાના થનાર રવાન્ડાની પ્રથમ ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવાના મનાઈ હુકમને નકારી કાઢ્યો હતો. જો કે કોર્ટે માનવાધિકાર જૂથોને નિર્ણય અંગે અપીલ કરવાની પરવાનગી આપતા સરકાર સામે વ્યક્તિગત કાનૂની અપીલો સબમિટ કરવામાં આવી હતી.

બોરિસ જૉન્સને વકીલો પર “ગુનાહિત ટોળકીના કામને પ્રોત્સાહન આપવાનો” આરોપ મૂકી તેમની યોજનાનો બચાવ કર્યો હતો. સોમવારે સાંજે સેન્ટ્રલ લંડનમાં હોમ ઑફિસની બહાર એકત્ર થયેલા પ્રદર્શનકારીઓએ એસયલમ સિકર્સને રવાન્ડા પરત મોકલવાના આયોજનનો વિરોધ કર્યો હતો.

ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે આગ્રહ કર્યો હતો કે મંગળવારની ફ્લાઈટ ચોક્કસપણે રવાના કરાશે. ઉડાન ભરવા માટે તૈયાર ફ્લાઇટમાં જનારા લોકો વતી દાખલ કરાયેલા કેસોની સુનાવણી ફ્લાઇટ રવાના થાય તે પહેલાં કરવામાં આવશે.

મંગળવારની સાંજની ચાર્ટર્ડ ફ્લાઇટમાં મૂળરૂપે ડઝનેક મુસાફરોને લઇ જવાના હતા, પરંતુ મોટાભાગના લોકો તેમને દૂર કરવા સામેની વ્યક્તિગત અપીલમાં સફળ થયા હતા. હવે સાત લોકો દેશ નિકાલની રાહ જુએ છે.

પ્રિન્સ ચાર્લ્સ, કેન્ટરબરી અને યોર્કના આર્કબિશપ અને હાઉસ ઓફ લોર્ડ્સમાં બેઠેલા 20 થી વધુ અન્ય બિશપ્સે અને ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના વરિષ્ઠ નેતાઓએ આ યોજના અને સરકારના પગલાનો વિરોધ કર્યો છે.

મંગળવારની ફ્લાઇટ પાંચ વર્ષની અજમાયશની પ્રથમ બનવાની છે. યોજના અંતર્ગત યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશનાર એસાયલમ સિકરને આશ્રય મેળવવા માટે રવાંડા લઈ જવામાં આવે છે. રવાન્ડાની સરકાર તેમની અરજી પર વિચાર કરશે. જો તેઓ સફળ થશે તો તેમને પાંચ વર્ષ સુધી શિક્ષણ અને મદદ સાથે દેશમાં રહેવા દેવાશે. યુકેમાં ગેરકાયદેસર રીતે ઘુસનાર દરેક વ્યક્તિને રવાંડામાં પ્રક્રિયા અને પુનર્વસન માટે વન-વે ટિકિટ આપવામાં આવશે.

પ્રીતિ પટેલ અને વડા પ્રધાન બોરિસ જૉન્સન લોકોના વિરોધ છતાં ઝુક્યા નથી અને સુયોગ્ય નીતિની જરૂર છે એમ કહી રહ્યાં છે.

સોમવારે 138 વધુ લોકો ત્રણ બોટમાં યુકે આવ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 10,000 થી વધુ માઇગ્રન્ટ યુકે આવ્યા છે.