અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસના સેન એન્ટિનિયોમાં એક ટ્રેક્ટર-ટ્રેલરમાંથી સોમવારે સત્તાવાળાને 46 માઇગ્રન્ટના મૃતદેહો મળી આવ્યા હતા. REUTERS/Go Nakamura

અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસના સેન એન્ટિનિયોમાં એક ટ્રેક્ટર-ટ્રેલરમાંથી સોમવારે સત્તાવાળાને 46 માઇગ્રન્ટના મૃતદેહો મળી આવ્યા હતા, એમ ફાયર વિભાગે જણાવ્યું હતું. અમેરિકા-મેક્સિકો સરદહ પર માનવ તસ્કરીની આ એક સૌથી વધુ દુઃખદ ઘટના હોવાનું દેખાય છે. શહેરના દક્ષિણ ભાગના દૂરના વિસ્તારમાં રેલરોડ ટ્રેક પર આ ટ્રક પડેલી હતી. આ માઇગ્રન્ટના મોત હીટસ્ટ્રોક અને ગૂંગળામણને કારણે થયા હોવાનું માનવામાં આવે છે. સોમવારે સેન એન્ટોનિયોનું તાપમાન 39.4 ડિગ્રી (103 ડિગ્રી ફેરનહીટ) હતું. આ શહેર મેક્સિકન બોર્ડરથી આશરે 160 માઇલ દૂર છે.

સેન એન્ટોનિયોના ફાયર ચીફ ચાર્લ્સ હૂડે પત્રકારોને જણાવ્યું હતું કે અમે 46 મૃતદેહને પ્રોસેસ કર્યા છે. તપાસ બાદ તેમને મૃત જાહેર કરાયા છે. આ ઉપરાંત 16 લોકોને જીવિત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં 12 પુખ્ત વયના લોકો અને ચાર બાળકો હતા. આ દર્દી સ્પર્શ ન કરી શકાય તેટલા ગરમ હતા. તેઓ હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા હતા. વ્હિકલમાં પાણી ન હતું. તે રિફ્રિજરેટેડ ટ્રેક્ટર ટેલર હતું, પરંતુ એસી યુનિટ કામ કરતું ન હતું.

આ ઘટના બાદ પોલીસે ત્રણ લોકોને અટકાયત લીધા હતા.

મેક્સિકોના વિદેશ પ્રધાન માર્સેલો ઇબ્રાર્ડે ટ્વીટર પર જણાવ્યું હતું કે ટ્રકમાં માઇગ્રન્ટ્સના ગૂંગળામણની ઘટના ટેક્સાસની ટ્રેજેડી છે. સ્થાનિક કોન્સ્યુલેટ ઘટના સ્થળે જઈ રહ્યાં છે. મૃતકો કયા દેશના છે તેની પુષ્ટી મળી શકી નથી.

તાજેતરના મહિનાઓમાં યુએસ-મેક્સિકો બોર્ડર ક્રોસ કરનારા માઇગ્રન્ટ્સની સંખ્યા વિક્રમજનક રહી છે. તેનાથી અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનની ઇમિગ્રેશન નીતિઓની આકરી ટીકા થઈ રહી છે. જુલાઈ 2017માં પણ સેન એન્ટોનિયોમાંથી ટ્રેકટર ટ્રેલરમાં 10 માઇગ્રન્ટના મૃતદેહ મળ્યા હતા.