Ajay Devgan
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

અજય દેવગણ વધુ એક વખત સિંઘમ તરીકે ફિલ્મી પડદે જોવા મળશે. રોહિત શેટ્ટીએ અજય સાથે સિંઘમ થ્રી બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એપ્રિલેમાં શરૂ થવાની સંભાવના છે. રોહિત શેટ્ટીએ અજય દેવગણને લઈને 2011માં સિંઘમ બનાવી હતી. તેના ત્રણ વર્ષ પછી સિંઘમ રિટર્ન્સ આવી હતી. હવે તેના આઠ વર્ષ પછી સિંઘમ-3ની જાહેરાત થઈ છે. આ વખતે ફિલ્મમાં એક લેડી પોલીસ ઓફિસર પણ જોવા મળે તેવી સંભાવના છે. રોહિતે આ ઉપરાંત 2018માં સિમ્બા અને 2021માં સૂર્યવંશી પણ બનાવી હતી સૂર્યવંશીમાં સિમ્બા અને સિંઘમ બંનેના ટ્રેક પણ ઉમેરવામાં આવ્યા હતા.

ટ્રેડના સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિત શેટ્ટીએ 2017માં જ સિંઘમ-3 બનાવવાનું આયોજન કરી દીધું હતું. પરંતુ, કોઈને કોઈ કારણોસર આ ફિલ્મ આગળ વધી શકી નહોતી. ત્યારની ચર્ચા મુજબ સિંઘમ-3 એક મલયાલમ ફિલ્મ એક્શન હીરો બીજુની રીમેક હોવાની સંભાવના છે. રોહિત શેટ્ટી અત્યારે તેની સરકસ ફિલ્મમાં વ્યસ્ત છે. બીજી તરફ અજય દેવગણ પણ પોતાનાં દિગ્દર્શન હેઠળની ફિલ્મમાં વ્યસ્ત છે. બંને આ પ્રોજેક્ટસમાંથી બહાર નીકળ્યા પછી આવતાં વર્ષના એપ્રિલમાં સિંઘમ થ્રી માટે શૂટિંગ શરૂ કરશે. ત્યાં સુધીમાં બાકીના કલાકારો પણ નક્કી થઈ જશે.