4 ઓગસ્ટના ગુરુવારના રોજ, ભારતની આઝાદીના 75માં વર્ષને ચિહ્નિત કરવા ધ ભવન લંડન ખાતે ભારતના 75મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા અને ભવનના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

હેમરસ્મિથ અને ફુલહામના ડેપ્યુટી મેયર ડેરીલ બ્રાઉને જણાવ્યું હતું કે ‘’સ્થાનિક તેમજ લંડનમાં વ્યાપેલા સમુદાયમાં ભવનનું કાર્ય મહત્વપૂર્ણ છે. અમારા વિસ્તારમાં રહીને જ મહાત્મા ગાંધીએ લૉનો અભ્યાસ કર્યો હતો.’’

ભવનને વર્ષોથી સહાય કરતા કોર્પસ ફંડ દાતા શ્રી લાલ ચેલારામે ભવનના અગ્રણી માથુરજીના પોતાના પિતા સાથેના સંબંધોને યાદ કરતાં જણાવ્યું હતું કે ‘’અમે ચેલારામ ફાઉન્ડેશન દ્વારા ભવન, શિક્ષણ અને આરોગ્યના કાર્યો માટે મદદ કરતા ગૌરવ અનુભવીએ છીએ. તેમણે ભવનને સતત સહયોગ આપવાનું વચન આપ્યું હતું.’’

ભવન યુકેના વાઈસ ચેરમેન ડો. સુરેખા મહેતાએ ભારતના વિકાસ, ભારતના ભાગલા અને યુકેના ભારતીય ડાયસ્પોરાએ આર્થિક, સામાજીક અને રાજકીય ક્ષેત્રે કરેલા વિકાસની સરાહના કરી સુનક વડા પ્રધાન બની શકે તે અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

બેરોનેસ ઉષા પ્રાશર, OBEએ કહ્યું હતું કે ‘’આજે ભારત યુકેમાં કોન્ફીડન્ટ પ્લેયર છે. હું ભારતના આઝાદીના લડવૈયાઓ અને શહિદો તથા ભારતની ડાયવર્સીટી અને યુનિટીને હું સલામ કરૂ છું.‘’

નેહરુ સેન્ટરના ડાયરેક્ટર અમિષ ત્રિપાઠીએ વિવિધ ક્ષેત્રોમાં ભારતીયોના યોગદાન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘’ભારતના એક્ટીંગ હાઇ કમિશ્નર શ્રી સુજીતકુમાર ઘોષ ખાસ  કાર્યક્રમમાં ભાગ લેવા બર્મિંગહામથી સીધા અહિં આવ્યા છે. છેલ્લા 25 વર્ષમાં ભારતની પર કેપિટા ઇન્કમ યુરોપના મોટા દેશો કરતા વધી ગઇ છે. 900 વર્ષમાં ન હતું થયું તે હવે થઇ રહ્યું છે. કોવિડ વખતે ભારતે પોતાના નાગરીકો ઉપરાંત બીજા દેશોના નાગરીકોને પણ વેક્સીન આપીને પોતાની સિધ્ધી દર્શાવી છે. ભારત એ દેશ છે જ્યાં મહિલાઓ જ નહિં કિન્નરોનું પણ બહુમાન થાય છે. આપણે વસુધૈવ કુટુમ્બકમના એમ્બેસડર છીએ. દુનિયા પર્યાવરણ માટે આજે રડે છે પણ આપણે આભ, ધરતી, વાયુ, સુરજ અને ચાંદાને પૂજતા લોકો છીએ.‘’

કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી સુજીત ઘોષે મુખ્ય વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે ‘’અમિષ પછી વક્તવ્ય આપવાનું હોય તો અધરું પડે. આપણે વર્ષોથી નહોતા કરી શકતા તે વાત આજે કરી શકીએ છીએ. ભારત સૌથી વધુ વિકાસ પામતો દેશ છે. સબકા સાથ સબકા વિકાસના નારા સાથે સૌ વિકાસ કરી રહ્યા છે. ડાઇવર્સીટી અને ઇન્ક્લુઝન આપણા લોહીમાં છે. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં આપણે સૌથી આગળ વધી રહ્યા છીએ. ભારત યુકે વચ્ચેનો ટ્રેડ વધી રહ્યો છે તો હાઇ કમિશન પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે.’’

આભારવિધિ ભવનના કારોબારી સમિતિના સભ્ય શ્રી વરિન્દર સિંહે કરી હતી. ભવનના કલાકારોએ  બંગાળી, હિન્દી અને તમિલ ભાષામાં મધુર દેશભક્તિના ગીતો તથા આકર્ષક ભરતનાટ્યમ અને કથકના નૃત્ય રજૂ કર્યા હતા.

સાંજની શરૂઆત ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. એમ. એન. નંદકુમારની પ્રાર્થનાથી થઈ હતી. તેમણે એમપી વિરેન્દ્ર શર્મા, લોર્ડ લુમ્બા, રોયલ નેવીના અધિકારીઓ તથા જેમ્સ મારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના પછી ભવન યુકેના કાર્યકારી સમિતિના સભ્ય સુભાનુ સક્સેનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.