લંડનની હોસ્પિટલમાં ચિકિત્સકો દ્વારા કરાયેલી “ભૂલોની વણઝાર” બાદ સારવાર અને સંભાળમાં “નિષ્ફળતા”ને કારણે મૃત્યુ પામેલા 30 વર્ષના પુત્ર બલરામની યાદમાં દર્દીઓના અધિકારો માટે ઝુંબેશ ચલાવવા લંડનના ભારતીય મૂળના જય પટેલે નવું ચેરિટી ફાઉન્ડેશન પેશન્ટ્સ લાઈવ્સ મેટર શરૂ કર્યું છે.
આ મહિનાની શરૂઆતમાં મરણ પામેલા બલરામ બાબતે કોરોનર ઓફિસે તેમને બલરામના મૃત્યુ સુધીની તમામ પરિસ્થિતિઓની તપાસ શરૂ કરવાની ખાતરી આપી હતી.
જય પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’હોસ્પિટલના કન્સલ્ટન્ટ અને સંખ્યાબંધ સ્ટાફની સારવાર અને સંભાળમાં ભૂલો અને નિષ્ફળતાને કારણે બલરામ ભારે પીડા અને અસ્વસ્થતામાં તેના સમય પહેલા મૃત્યુ પામ્યા હતા. અમને ખૂબ જ દુ:ખ લાગે છે કે સરકાર ‘ઘટના પછી’ પગલાં લઈ રહી છે જેથી દર્દીની સંભાળ અને/અથવા દર્દીની સારવારમાં શું ખોટું થયું તે જોવા માટે વાત કરી શકાય. જો કે, નિષ્ફળતાને સુધારવા અને દર્દીને થોડું કે કોઈ નુકસાન ન પહોંચે તેની ખાતરી કરવા માટે ઘટના સમયે તદ્દન અપૂરતા પગલાં ઉપલબ્ધ છે. પછી ભલે તમે દર્દી હો, માતા-પિતા હો, કુટુંબના સભ્ય હો, મિત્ર હો કે ઉપરોક્તમાંથી કોઈ પણ ન હો, અમે તમારી પાસેથી સાંભળવા માંગીએ છીએ.”
જય પટેલે કહ્યું હતું કે તેઓ સંસદમાં લોબિંગ કરવા અને આ પ્રશ્નને સાંભળવા અને પરિવર્તન લાવવા માંગે છે. જય છ જીવલેણ બીમારીઓથી પીડાતો હતો અને તેની માનસિક વય નાની હતી.
જય પટેલે જણાવ્યું હતું કે “અમને બલરામની ખોટ માટે ખૂબ જ દુઃખ થયું છે, પરંતુ અમને તે તેમના સમય પહેલાં, બિનજરૂરી પીડામાંથી પસાર થયો અને આ કાળજીના અભાવ, અયોગ્ય તબીબી સારવાર અને યોગ્ય સારવારમાં વિલંબને કારણે તેનું મરણ થયું તેનું દુઃખ વધુ થયું છે.”
પેશન્ટ્સ લાઇવ્સ મેટર દ્વારા, તેઓ આ પ્રક્રિયાને સંચાલિત કરતી સ્વતંત્ર સંસ્થા સાથે, સારવાર યોજનાઓ માટે ઝડપી અને સીધા સેકન્ડ ઓપીનીયન જેવા સરળ પગલાં માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. યુકેની સરકાર પણ બીજો તબીબી અભિપ્રાય મેળવવાના “માર્થાઝ રૂલ” માટેના વ્યાપક અભિયાન માટે પ્રતિબદ્ધ છે.