AAHOA (એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન) દ્વારા કોંગ્રેસમાં પસાર થયા પછી અને બુધવારે પ્રેસિડેન્ટની મંજૂરી પછી ફેડરલ સરકારના શટડાઉનનો અંત લાવવાના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘણા લાંબા સમયથી શટડાઉનને કારણે અનેક લોકોને મુસાફરીમાં અડચણો ઊભી થઇ હતી, અર્થતંત્ર મંદ થઈ ગયું હતું અને સમગ્ર હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં અનિશ્ચિતતા ઊભી થઈ હતી. AAHOAના ચેરમેન કમલેશ પટેલે (કેપી) જણાવ્યું હતું કે, ‘હોટેલ માલિકોનું અમેરિકાના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. શટડાઉનના કારણે નાના બિઝનેસીઝ અને નોકરીઓ જોખમમાં મુકાઈ હતી. સરકારી કાર્યો ફરીથી શરૂ થતાં અમે રાહત અનુભવીએ છીએ, જેથી આર્થિક સ્થિરતા અને વિકાસને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.’ AAHOAના પ્રેસિડેન્ટ અને CEO લૌરા લી બ્લેકે જણાવ્યું હતું કે, ‘અમારા સભ્યો 20,000 જેટલી હોટેલ્સનું સંચાલન કરે છે, જેની સાથે દેશભરમાં 10 લાખથી વધુ લોકો સીધી રીતે રોજગારી મેળવી રહ્યા છે. શટડાઉનના કારણે સ્થાનિક અર્થવ્યવસ્થા અને નાના બિઝનેસ માલિકોએ આંચકો અનુભવ્યો હતો.’ આ મહિનાની શરૂઆતમાં, AAHOA દ્વારા હોટેલ્સ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના 30થી વધુ અન્ય સંગઠનો સાથે જોડાઈને બંધની આર્થિક અસરને ઉજાગર કરી હતી. સતત શટડાઉનના કારણે દેશના અર્થતંત્રને હોટેલ સંબંધિત પ્રવૃત્તિમાં 31 મિલિયન ડોલર જેટલું નુકસાન થવાનો અંદાજ છે, જ્યારથી તે શરૂ થયું હતું તેનાથી આ ઉદ્યોગને અંદાજે 650 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું.

LEAVE A REPLY