દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને શનિવારે અમદાવાદમાં ત્રિરંગા યાત્રા કાઢી હતી. . (ANI Photo/AAP twitter)

આમ આદમી પાર્ટીએ સોમવારે દાવો કર્યો હતો કે તેના આંતરિક સર્વે મુજબ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં પક્ષને 58 બેઠકો મળી શકે છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ ડો. સંદીપ પાઠકે જણાવ્યું હતું કે પાર્ટીની પોતાની એજન્સી મારફત સાયન્ટિફિક પદ્ધતિથી આ સર્વે કરવામાં આવ્યો હતો.

સર્વેમાં જણાવ્યા મુજબ પાર્ટીને કોંગ્રેસથી નારાજ થયેલા ગ્રામીણ મતદાતાના મત મળવાની શક્યતા છે. આ ઉપરાંત શહેરી વિસ્તારના લોઅર અને મિડલ ક્લાસ લોકોનો મત મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે અમારા આંતરિક સર્વે મુજબ અમે 58 બેઠકો પર વિજય મેળવીશું. ગ્રામીણ ભારતના લોકો અમારા માટે મત આપશે. નીચલા અને મધ્યમ વર્ગના શહેરી વિસ્તારના લોકો પરિવર્તન ઇચ્છે અને અમને વોટ આપશે. ગ્રામીણ ગુજરાતના લોકો માને છે કે કોંગ્રેસ હવે ભાજપને હરાવી શકે નહીં.

સંદીપ પાઠકે પંજાબમાં આમ આદમી પાર્ટીના વિજયમાં મોટો ભૂમિકા ભજવી હતી. તેઓ હાલમાં પંજાબમાંથી રાજ્યસભાના સભ્ય છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ સરકારની સ્ટેટ ઇન્ટેલિજન્સ વિંગના સર્વે મુજબ આમ આદમી પાર્ટીને 55 બેઠકો મળી શકે છે. અગાઉ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે તેમણે સૂત્રો પાસેથી ઇન્ટેલિજન્સ સર્વેની આ માહિતી મળી છે.