ગ્લોબલ સ્ટીલ જાયન્ટ આર્સેલરમિત્તલે ગુરૂવારે સ્ટીલ બેરોન લક્ષ્મી એન. મિત્તલના પુત્ર આદિત્ય મિત્તલની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે નિમણૂક કરી હોવાની ઘોષણા કરી છે. તેઓ તેમના પિતાનું સ્થાન મેળવશે. જ્યારે હાલમાં કંપનીના અધ્યક્ષ અને સીઈઓ લક્ષ્મી મિત્તલ કંપનીના કાર્યકારી અધ્યક્ષ બનશે.

લક્ઝમબર્ગ સ્થિત સ્ટીલ ઉત્પાદક આર્સેલરમિત્તલે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘’આર્સેલરમિત્તલના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા તા. 11ને ગુરૂવારે જાહેરાત કરવામાં આવી હતી કે આર્સેલરમિત્તલના હાલના પ્રમુખ, સીએફઓ અને આર્સેલરમિત્તલ યુરોપના સીઈઓ, આદિત્ય મિત્તલ કંપનીના સીઇઓ બનશે.’’

સીઇઓ તરીકે તેમની નિમણૂક થવા અંગે, આદિત્ય મિત્તલે કહ્યું હતું કે ‘’વિશ્વની સૌથી મોટી સ્ટીલ બનાવતી કંપનીના સીઈઓ બનવું તેમના માટે સન્માનની વાત છે. દુનિયા ઝડપી ગતિએ પરિવર્તિત થઈ રહી છે અને આ પરિવર્તન આર્સેલરમિત્તલ માટે પડકારોની સાથે સાથે ઘણી તકો પણ લાવે છે. સૌથી મોટા પડકાર સામે સૌથી મોટો અવસર, એ દર્શાવવાનો છે કે સ્ટીલ ડી-કાર્બોનાઇઝ થઇ શકે છે અને ખરેખર તે અર્થતંત્ર માટે સંપૂર્ણ સામગ્રી છે.”

તેમના પિતા લક્ષ્મી મિત્તલે કહ્યું હતું કે, ‘’આજે વિશ્વની અગ્રણી સ્ટીલ કંપની બનવા માટે ઇન્ડોનેશિયાની ગ્રીનફિલ્ડ રોલિંગ મિલમાંથી આર્સેલરમિત્તલ બનાવી હતી. બોર્ડ સર્વસંમતિથી સંમત છે કે આદિત્ય મિત્તલ કંપનીના સીઈઓ બનવાની સ્વાભાવિક અને યોગ્ય પસંદગી છે. તેમને વ્યવસાયનું અજોડ જ્ઞાન છે અને વિશ્વની અગ્રણી સ્ટીલ કંપની બનવા માટે કંપનીએ કેવી રીતે પરિવર્તન ચાલુ રાખવું જોઈએ તેની આતુર સમજ છે.’’

કંપનીએ જણાવ્યું હતું કે, લક્ષ્મી એન. મિત્તલે 1976માં કંપનીની સ્થાપના કરી હતી અને હાલમાં તેઓ તેના અધ્યક્ષ અને સીઈઓ છે, તેઓ હવે એક્ઝીક્યુટીવ ચેરમેન બનશે. આ પદ પર, લક્ષ્મી મિત્તલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે અને સીઈઓ અને મેનેજમેન્ટ ટીમ સાથે મળીને કામ કરશે’’.

કંપનીએ ઉમેર્યું હતું કે કે જેન્યુઇઓ ક્રિસ્ટીનો હવે કંપનીના સીએફઓ બનશે. ક્રિસ્ટિનો 2003માં કંપનીમાં જોડાયા હતા અને વર્ષ 2016થી હેડ ઓફ ફાઇનાન્સનું પદ સંભાળી રહ્યા છે.

નિવેદનમાં લીડ ઇન્ડીપેન્ડન્ટ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બ્રુનો લાફોન્ટ કહે છે, “આદિત્ય મિત્તલ કોઈ શંકા વિના આર્સેલરમિત્તલના આગામી ચીફ એક્ઝિક્યુટિવ બનવા માટે યોગ્ય ઉમેદવાર છે. તેમની પાસે  કંપનીનું જે જ્ઞાન અને અનુભવ છે તે શ્રેષ્ઠ છે.