અદાર પૂનાવાલા (REUTERS/Francis Mascarenhas/File Photo)

વેક્સિન કિંગ તરીકે જાણીતા આદર પૂનાવાલાએ મેગ્મા ફિન કોર્પ નામની મુંબઈ ખાતેની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ (એનબીએફસી) કંપની હસ્તગત કરી છે. કંપનીના નવા ઇશ્યૂમાં રોકાણ કરીને પૂનાવાલાએ આ કંપનીનો આશરે 60 ટકા હિસ્સો ખરીદ્યો છે. બંને કંપનીઓએ બુધવારે આ સોદાની જાહેરાત કરી હતી. 32 વર્ષ જુની મેગ્મા ફિનકોર્પની સ્થાપના સંજય ચામરિયા અને મયંક પોદ્દારે કરી હતી. તે કાર, કોમર્શિયલ વ્હિકલ્સ, યુઝ્ડ એસેટ, એસએમઇ ફાઇનાન્સ અને એફોર્ડેબલ હાઉસિંગ માટે લોન આપે છે. આ સોદાને પગલે મેગ્મા ફિનનું નામ બદલીને પુનાવાલા ફાઇનાન્સ કરવામાં આવશે.

બંને ગ્રૂપે કરેલી જાહેરાત મુજબ મેગ્માફિન પૂનાવાલાની કંપની રાઇઝિંગ સન હોલ્ડિંગને રૂ.3,456 કરોડના આશરે 45.8 કરોડ શેરનું પ્રેફરન્સિયલ એલોટમેન્ટ કરશે. આ ઉપરાંત ચામરિયા અને પોદ્દારને 3.6 કરોડ શેર ઇશ્યૂ કરાશે. તેનાથી પુનાવાલાને આ કંપનીમાં 60 ટકા અને હાલના પ્રમોટર્સને 13.3 ટકા હિસ્સો મળશે.

અદાર પુનાવાલા ભારતીય કંપની સીરમ ઇન્સ્ટીટયુટના ચેરમેન છે જે કોરોના વેકસીન કોવીશીલ્ડ બનાવી રહી છે. એક્સચેન્જ ફાઇલિંગમાં મેગ્મા ફિનકોર્પે જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે આ સોદાની મંજૂરી આપી દીધી છે. જે હેઠળ પૂનાવાલાની કંપની રાઇઝિંગ સન હોલ્ડિંગ્સ, મયંક પોદ્દાર અને સંજય ચમરિયા સાથે સોદાને મંજૂરી મળી છે. મેગ્મા ભારતના 21 રાજ્યોમાં હાજરી ધરાવે છે.