ભારત સરકારની એરલાઇન્સ કંપની એર ઇંડિયાના પ્રવાસીઓનો ડેટા હેક થયો હોવાનું બહાર આવ્યું છે. એર ઇંડિયાના જણાવ્યા મુજબ એર ઇન્ડિયાના અંદાજે 45 લાખ પ્રવાસીઓના ડેટા સહિતની અત્યંત અંગત માહિતી લીક થઇ ગઇ છે અને તેને જાહેર કરવામાં આવી છે.
જેમાં નામ, જન્મ તારીખ, સંપર્ક નંબરો, પાસપોર્ટના નંબર સહિતની માહિતી, ટિકિટની માહિતી, સ્ટાર એલાયંસ, એર ઇંડિયા ફ્રિક્વન્ટ ફ્લાયર ડેટા (પાસવર્ડ ડેટા) અને ક્રેડિટ કાર્ડની માહીતી પણ હેક થઇ ગઇ છે.
એર ઇંડિયાના જણાવ્યા અનુસાર ડેટા લીક થવાની આ ઘટના 26મી ઓગસ્ટ 2011થી 3 ફેબુ્રઆરી 2021 વચ્ચેની છે. કંપનીએ ક્રેડિટ કાર્ડ અંગે કહ્યું છે કે અમારા ડેટા પ્રોસેસર પાસે સીવીવી/સીવીસી નંબર નથી હોતા. બાદમાં અમારા ડેટા પ્રોસેસરે એ વાતની ખાતરી કરી છે કે પ્રભાવિત સર્વર પર કોઇ પણ પ્રકારની અસમાન્ય ગતિવિધિ થઇ નથી. આ ઘટનાની જાણ થયા પછી તરત જ તેની તપાસ કરવામાં આવી છે. પ્રભાવિત સર્વરને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે. એર ઇન્ડિયા એફએફપી પ્રોગ્રામના પાસવર્ડને રીસેટ કરવામાં આવ્યો છે.
ડેટા સુરક્ષિત રહે તે માટે કંપનીએ મુસાફરોને કહ્યું છે કે તેઓ પોતાનો જે પાસવર્ડ છે તેને તાત્કાલિક બદલી લે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે અમે અમારી ડેટા પ્રોસેસર કાર્યવાહી જારી રાખીશું. આ દરમિયાન અમે મુસાફરોને પાસવર્ડ બદલવા માટે પ્રોત્સાહિત કરીશું. મુસાફરોની ગુપ્ત માહિતી સુરક્ષિત રાખવી તે અમારા માટે મહત્વપૂર્ણ છે. જોકે જે માહિતી લીક થઇ ગઇ છે તેનો દુરૂપયોગ થવાની પણ પુરી શક્યતાઓ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.